સોમવાર, 14 માર્ચ, 2011

જિંદગી રે જિંદગી ( ભાગ ૧ )

મારું નામ જયદીપ મહેતા. જયદીપ દલપતરામ મહેતા. ઉંમર-૪૩ વર્ષ. અભ્યાસ, એન્જીનીયરીંગ માં માસ્ટર્સ. એક બહુ જ પ્રતિષ્ઠિત કંપની માં ઊંચા પગારની નોકરી છે. દેખાવડી, સુશીલ તથા સંસ્કારી પત્ની છે, નામ છે રશ્મિકા. સંતાનમાં પુત્રની ખોટ પૂરી કરેતેવી બે પુત્રીઓ છે. ઓગણીસ વરસની નિધિ એ હમણાં જ ગ્રેજુએશન કર્યું અને હવે આગળ માસ્ટર્સ કરવાની તૈયારી કરી રહી છે. નાની આસ્થા બાર વરસની છે. ઈંગ્લીશ મીડીયમ સ્કુલના છઠ્ઠા ધોરણમાં છે. નાનું પણ સુંદર અને સુઘડ પોતાનું મકાન કે. એક નાની ફેમીલી કાર પણ વસાવી છે. અમારા પરિવારનું ગાડું કોઈપણ જાતના કોલાહલ વિના, ખુબ જ શાંતિથી, આનંદમંગલ પૂર્વક આગળ ધપી રહ્યું છે. સવારે નાસ્તાના સમયે બધાંએ ફરજીયાત મળવું જ - એવો વણલખ્યો નિયમ બનાવ્યો છે. સાંજના ક્યારેક નિધિ ને તેના મિત્રો સાથે જવાનું થાય છે. મારે પણ ઘણીવાર મીટીંગ કે એવું કંઈ હોય તો મોડું થઇ જાય છે. જેથી સાંજના ડીનર ટેબલ પર સમય સાચવવો અઘરું પડે છે, તેથી જ સ્તો, સવારે બ્રેકફાસ્ટ વખતે "અમે " અચૂક મળીએ છીએ. "અમે" એટલે


અમે ત્રણ. હું, રશ્મિ, અને નિધિ. આસ્થા હજી સમજણી નથી, તેથી તેને આ નિયમમાંથી મુક્તિ મળેલી છે.

ક્યારેક નિધિ ના લગ્નની વાત, ક્યારેક મારી ઓફિસમાં બનેલા અવનવા બનાવો, ક્યારેક વળી કોઈ ગંભીર વાત, ક્યારેક રશ્મિએ બનાવેલ (પણ બગડી ગયેલ? ) અથાણાની વાત, ક્યારેક કોઈ બીમાર સગાની ખબર કાઢવા જવાની વાત, ક્યારેક વળી ન્યાતના કોઈના જમણવાર માં જઈ આવ્યા બાદ ત્યાંના મેન્યુની આઈટમો પર ચર્ચા- આવું બધું ચાલતું હોય છે. ટૂંકમાં ક્યાંય કોઈ બમ્પ નથી. એકાદ સરોવરના શાંત જળરાશિ પર સરકતી નાવની જેમ જ અમારું જીવન ખુબ જ સરળ અને સહજ રીતે સરકી રહ્યું છે. બંને દીકરીઓના ઉછેર ની નાની નાની બાબતો ધ્યાનમાં રાખી, એ બાળપુષ્પો ના જીવનને એક નિશ્ચિત આકાર આપવાનો, અમે સતત પ્રયત્ન કર્યો છે. વીસેક વરસના સહવાસ દરમ્યાન રશ્મિએ પણ મારા જીવનરથ ને ગતિ આપવામાં ભરપૂર સાથ આપ્યો છે. ઇન શોર્ટ, જીવનને અમે ખુબ માણ્યું છે.

આ આનંદ આ હર્ષ, આ ઉલ્લાસ -હજી ગઈકાલ સુધી તો અણનમ હતું,અખંડ હતું. અરે! ગઈકાલે જ આસ્થાની એકાદ વાત પર સવારે અમે કેટલું હસ્યાં હતાં? તેમાં વળી થોડાક સમય પહેલા જ નિધિ એક ડ્રેસ ખરીદી લાવેલી. પણ ફક્ત એક જ વખત ધોયા પછી તે એવો તો ચડી ગયો કે તેના કામનો જ ન રહ્યો! આ ડ્રેસ હાથમાં લઇ, તેને જોતાં જોતાં જ અમે બેવડ વળી ગયેલાં.

પણ હા! આજે? ? ? આજની વાત જરા જુદી છે. અમારા આ "સ્વીટ હોમ " માં આજે ઉદાસીનતા પ્રવેશી ગઈ છે. જાણે કે કમનસીબી ના તોફાને અમારી જીવન નૌકા ને ઘેરો ના ઘાલ્યો હોય? હાસ્યની છોળો ની જગ્યાએ અહીં એક પ્રકારની દહેશત વ્યાપી ગઈ છે. મજબૂત પાયાવાળું મકાન પણ જેમ ભૂકંપનો એક જ આંચકો આવે અને હાલી જાય તેમ અમે બધાં જ આજે હચમચી ગયાં છીએ. વાત જાણે એમ છે કે છેલ્લા ત્રણ- ચાર માસથી ક્યારેક ક્યારેક મને શારીરિક તકલીફ થવા લાગી હતી. જેમ કે તાવ આવે-જાય, ફરીથી આવે. ક્યારેક શ્વાસ લેવામાં ખુબ તકલીફ થતી. શરીર એકદમ લેવાઈ જાય. વળી ક્યારેક વધુ પડતી ઉલટીઓ થઇ જતી. આવાં બધાં કારણોસર, છેવટે બધી જ તપાસ પુરેપુરી કરાવી લેવી, એવો નિર્ણય લીધો. અને છેલ્લાં બે અઠવાડિયાં માં બધા જ રીપોર્ટસ, સી ટી સ્કેન, અને છેવટે બાયોપ્સી પણ થઇ ગઈ. ફાઈનલી ગઈકાલે ડોક્ટરોએ જે નિદાન કર્યું, તે અણધાર્યું જ નહિ, પણ અકલ્પ્ય પણ હતું. ગઈકાલના એ નિદાન ની છાયા, અમારા ઘરના આજના વાતાવરણ પર પથરાઈ ગઈ હતી.ડૉ. પંચાલ ના એ શબ્દો હજીપણ મારા મનો- મસ્તિષ્ક પર હથોડા ની જેમ ઘા કરી રહ્યા છે. " મિ. મહેતા, દુ:ખ સાથે કહેવું પડે છે કે તમને ફેફસાં નું કેન્સર છે." જેટલી ઝડપથી ડોક્ટર એ વાક્ય બોલી ગયા, એટલી જ ઝડપે એક ઊંડો ચીરો મારા તથા મારી બાજુમાં જ બેઠેલી રશ્મિ ના કાળજે પાડતા ગયા. ડોક્ટરની એર કન્ડીશન્ડ ચેમ્બર માં પણ મને ઘડીભર પરસેવો વળી ગયો. મૂક-બધિર જેવી અવસ્થા માં આવી ગયેલાં અમો બંને ઘરે આવી ગયાં હતાં. કોઈ જ કંઈ બોલી શકતું ન હતું.

બીજી સવારે, સૂરજના ઉગવાની સાથે જ, નિત્યક્રમ મુજબ અમે નાસ્તાના ટેબલ પર ભેગાં થયાં. રશ્મિ આખી રાત ઊંઘી શકી નહોતી, તેની મને જાણ હતીજ. મારો ચા નો કપ ટેબલ પર મૂકી, નિધિ માટે દૂધનો ગ્લાસ લઇ આવેલી રશ્મિ થી એક ધ્રુસકું મૂકાઈ ગયું. "બેટા, પપ્પાને................" આ પછીના શબ્દો તેના ગળા માં જ વિલોપાઈ ગયા. પણ ત્યાં તો, નિધિ મને વળગીને છુટ્ટા મોંએ રડવા લાગી. "પપ્પા, કહી દો મને કે આ સાવ ખોટું છે. મારા પપ્પાને કશું નથી થયું....ઓ મમ્મી, કહી દે આ સાચું નથી.......પપ્પા....ઓ......પપ્પા....."

(વધુ આવતા અંકે...)

ટિપ્પણીઓ નથી: