રવિવાર, 16 મે, 2010


યુવામિત્રો તથા સામરખા ના તમામ નાગરિકો;


ગયા મહીને મારા બ્લોગ પર " સામરખા" વિશે આર્ટીકલ પોસ્ટ કર્યા બાદ, આપ સૌનો જે પ્રતિસાદ મળ્યો, તે બધી કોમેન્ટ્સ વાંચ્યા પછી હૈયું ખરેખર ગદગદિત થયું છે. તમો બધાનો પ્રેમ અને પ્રેરણાનું પીયુષ પીને મને પણ હવે આગળ લખવાનો પાનો ચડ્યો છે."સામરખા ભાગ-૨" હજી તૈયાર થઇ શક્યો નથી. કેમકે તેના માટે જરૂરી માહિતી ભેગી કરવાના પ્રયત્નોમાં છું. દરમ્યાન અગાઉ લખેલ એક આર્ટીકલ આજે પોસ્ટ કરતાં અતિ આનંદ ની લાગણી અનુભવું છું.

બે-ત્રણ મિત્રોએ પ્રશ્ન કર્યો કે બ્લોગનું નામ "એક યાયાવર" આપ્યું છે તેનો અર્થ શો? તે અંગે થોડી સ્પષ્ટતા કરવાનું જરૂરી લાગતાં અત્રે વિગતે વાત કરું. ' યાયાવર' એટલે રખડુ. રખડપટ્ટી કરનાર માણસ. મારો બ્લોગ બનાવતો હતો ત્યારે ટાઈટલ શું આપવું તેની દ્વિધામાં હતો. ત્યાં અચાનક જ આ નામ મને સુઝી આવેલું. હા! હું રખડુ છું. સાહિત્યની ગલીઓ માં રખડપટ્ટી કરવી એ મને અતિશય ગમતી વાત છે.બહુ બધાં પુસ્તકો આપી મને એક કોટડી માં પૂરી દે, તો જમવાના સમયે બેલ વગાડી થાળી મંગાવવાનું પણ મને કદાચ યાદ ના આવે.મતલબ એજ કે વાંચન એ મારો પ્રિય શોખ છે. પછી તે કોઈ પુસ્તક હોય કે પછી નેટ પરની કોઈ વેબ. આમ વિચારી 'યાયાવર' નામની માગણી કરી, પણ એ ડોમૈન અગાઉ જ 'બ્લોગર' પર કોઈએ નોંધાવી દીધેલ, જેથી 'એક યાયાવર' નોંધાવ્યું, જે નસીબજોગે મળી ગયું. અને અહીંથી મારી લેખણ પટ્ટી ની યાત્રા શરુ થઇ. આ યાત્રા ક્યારે અને ક્યાં અટકશે એ તો કોને ખબર? પણ હા! તમારો અને મારો સંબંધ કાયમ રહે, અતુટ રહે એવી અંતરની આશ છે. આ સંબંધ એક લેખક અને એક વાચકનો ના બની રહેતાં એક ભાઈ કે એક મિત્રનો બની રહે એજ અભિલાષા. વધારે તો મારા વિષે શું કહું????

"અમસ્તી મારી મેહનત પર ઘડીભર તો નજર કરજો


કહું છું ક્યાં કદી હું કોઈને મારી કદર કરજો"..............(અઝીઝ કાદરી)

ટિપ્પણીઓ નથી: