રવિવાર, 13 એપ્રિલ, 2014

જિંદગી રે જિંદગી ( અંતિમ પ્રકરણ )

આજે કિમોથેરાપી ની છેલ્લી સાયકલ  મને આપવામાં આવી દવાના ઘેન ના કારણે , ઘરે આવી તરત સુઇ ગયો. હજી હમણાં આંખ ખુલી સામે વોલક્લોક માં સમયના કાંટા 6:50 પર સ્થિર થયેલા જોઈ રહ્યો છું. બારી બહાર નજર કરું છું તો એક તરફ સલૂણી સંધ્યા નાં  વળામણાં થઇ રહ્યાં  છે તો બીજી બાજુ ધીમા પગલે ,ચુપકીદી થી ડરામણી  નિબીડ  નિશા નું આગમન થઇ રહ્યું છે. દીવાલ પરની ટ્યુબ લાઈટ ના અજવાળે એક નાનું જીવડું ચકરાવે ચડ્યું છે. થોડીક વારે થાકથી કે ગમે તે કારણે ટ્યુબ લાઈટ ની બાજુમાં તે પોરો ખાવા બેસે છે. અરે! પણ શું? ગરોળી ક્યાંથી આવી ચડી? અનાયાસ મારા હૃદય ના ધબકારા વધવા લાગે છે. ત્યાં તો ગરોળી ધીરે રહીને જીવડાથી બે-ત્રણ ઇંચ ના છેટે સ્થિર થાય છે. હજી હું કાંઈ  વિચાર કરું કે ઉભો થાઉં પહેલાં  તો! ઓહ , નો !!!! ખેલ ખલાસ ? કેટલીક સેકન્ડો માટે જીવડું પોતાનો જીવ બચાવવા નો ધરખમ પ્રયાસ કરે છે. પણ , નાં!! અંતે ગરોળીના સકંજામાં નાનકડા જીવનો અંત આવી જાય છે. અકારણ મારું શરીર પરસેવે રેબઝેબ થઇ જાય છે. મીંચાઈ ગયેલી મારી આંખોની સામે  ગૂઢ  અંધકાર નું અડાબીડ સામ્રાજ્ય છે. ક્યાંય  કોઈ વાતાયન નથી કે નથી ક્યાંય  પ્રકાશનું એકાદ નાનું સરખું કિરણ , અતિ દૂર જિસ્મ રૂપી દીવડા ની એક સુક્ષ્મ અને પાતળી  જ્યોત પોતાના ટમ ટમાટ રૂપી અસ્તિત્વને ટકાવવા અથાહ અને સાવ નિરર્થક પ્રયત્ન કરતી ભાળી રહ્યો છું ? તો શુંસ્ટેશન થી શરુ થયેલી મારી જીવનગાડી નું છેલ્લું સ્ટેશનઆવી તો નથી પહોંચ્યું ને ? કદાચ, હા!!!
છેલ્લી કીમો ની સારવાર બાદ નો રીપોર્ટ અપેક્ષા કૃત નિરાશા જનક હતો. આજે પહેલી વાર મને લાગ્યું  અથવા એમ કહું કે મેં સ્વીકાર્યું કે કેન્સર સામેની લડાઈ માં હું હારી ગયો છું. હા!! હાર મારે સ્વીકારવી રહી. પણ તો શારીરિક હાર  થઇ. કેમ કે મારા દેહ ને નષ્ટ કરવામાં કેન્સર સફળ રહ્યો છે. પરંતુ રોગ નું નિદાન થયા પછી , મને એકદમ રોતલ બનાવી , માનસિક રીતે તોડી પાડી, મારું ત્વરિત પીક-અપ  કરવામાં તે સરિયામ નિષ્ફળ નીવડ્યો છે. જીવન-યાત્રા  હવે જયારે તેના છેલ્લા ચરણ માં છે ત્યારે એક વાત કહેવાનું રોકી નથી શકતો કે , રોગ સામે હું લડ્યો, તેની સામે બાથ ભીડી, ભલે હું હાર્યો, પરંતુ કપરા કાળ  દરમ્યાન મારી અંદર જે મજબૂતાઈ મેં અનુભવી છે, તે મારી, મને સૌથી ગમતી વાત છે. ડાયગ્નોસ થયાના દિવસથી આજ સુધી સામે આવીને ઉભેલી શારીરિક અને માનસિક પીડા ઓને , કોઈ મગરમચ્છ જેમ એકાદ માછલીને ગળી  જાય તેમ, હું ગળી  ગયો છું. હિંમત, આંતરિક બળની મેં સર્વદા પરમાત્મા પાસે અપેક્ષા કરી છે. અને તેમણે  મને તે બળ પ્રદાન કર્યું છે, પ્રભુની મારા પરની અસીમ-અસીમ કૃપા છે.
હા! મારા કેન્સર નિદાનને આજે લગભગ એક વરસ પૂરું થવા આવ્યું , છેલ્લા એકાદ વરસમાં જિંદગી ના કેટકેટલા રંગ જોવા મળ્યા ક્યારેક વિચારું છું કે ક્યાં અગાઉ વિતાવેલાં  42 વર્ષ અને ક્યાં કેન્સર નિદાન થયા પશ્ચાત નું એક વર્ષ ? કેટલો બધો ફરક ? અતિ સુંદર રંગ પૂરેલા કોઈ ચિત્ર પર અચાનક કાળી શાહી ઢળી જાય અને તે ચિત્ર ની આકર્ષકતા સમાપ્ત થઇ જાય ઠીક તેવી રીતે હર્ષ, ખુશી, આનંદ ,ઉલ્લાસ અને પ્રેમ ના રંગોથી ભરપુર મારા જીવન માં કેન્સર ના પ્રવેશે જીવન ચિત્રને કેટલું બેહુદું  બનાવી દીધું છે ? પરંતુ એક વાત કહેવાનું મન  થાય છે કે કસોટી ના કપરા કાળ દરમ્યાન મારા પરિવારે મને આપેલો સાથ અભૂતપૂર્વ છે, ખાસ તો નિધિ મારી જે કાળજી લીધી છે તેનું કોઈ મુલ્ય આંકી શકાય તેમ નથી. મારી દીકરી તરીકે હું કંઈ  તેનો આભાર નથી માનતો, પરંતુ  જે સ્વજન નજીકના ભાવિમાં કાયમ માટે પોતાથી વિખૂટું પડી જવાનું છે, તેની સારસંભાળ લેવી અને તે પણ હસતા મોંએ , બહુ કઠણ  છે. તેણે  મારા પર ચડાવેલું ઋણ કોઈ જન્મારે મારે ચુકવવું પડશે, તેની   માણસાઈ નો તારો મારા હૃદયાકાશ માં અહર્નિશ ઝગમગતો રહેશે, કાળજી લેવામાં તો રશ્મિ પણ ક્યાં કશી મણા  રાખી છે? મને નહીં , મારા પડછાયાને પણ ઉની આંચ આવે, તે સારું તેણે પોતાનું સમગ્ર અસ્તિત્વ હોડ માં મુક્યું છે. અરે!! મારી ચિંતાએ તો તેના ફૂલગુલાબી રૂપને પણ લુણો  લગાડી દીધો છે. આસ્થા નો નિર્દોષ ચહેરો તો જાણે મારી છાતી માં જડાઈ ગયો છે!! મારા પરિવાર નાં  ત્રણેય માટે ખુબ સુખી અને નિરામય ભાવી જીવન મારી પ્રાર્થનાનો એક મુદ્દો રહ્યો છે. આમનો સથવારો મારું  જીવનામૃત છે.
જીવનની ટ્રેન હવે ધીરે ધીરે તેના અંતિમ સ્ટેશન તરફ આગળ ધપી રહી છે, કેમકે એકાદ ચક્રવર્તી રાજવી જેમ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરે તેમ રોગે મારા શરીરમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે. અને, એટલે ટુકડે ટુકડે લખેલી લેખમાળા અહી પૂરી કરું છું. જો કે હવે તો તમને ખબર પડી ગઈ છે કે  વાર્તા વધારે આગળ ચાલે તેમ નથી. સમગ્ર જીવનમાં જે કંઈ મેળવ્યું, જે કંઈ  ગુમાવ્યું, જે કંઈ  જાણ્યું યા જે કંઈ  માણ્યું - બધું સાંગોપાંગ સ્વીકાર્ય છે. કશો રંજ નથી, કોઈ અફસોસ પણ નથી. જો જીવન રમત છે, તો હું તેને રીતે રમ્યો છું.
વિલક્ષણ ધરા પરથી અંતીમ ડગ માંડતા પહેલાં  દયાનિધાન પરમેસ્વરને  એટલી પ્રાર્થના અવશ્ય કરીશ કે એક તો આવો ગમ્ભીર રોગ કોઈનેય ના થાય, અને કદાચિત થાય તો આવું માનસિક બળ, આવું પારિવારિક વાતાવરણ, આવી ઉચ્ચ ટ્રીટમેન્ટ , તથા આજુબાજુનાં  બધાં નો આવો ઉષ્મા સભર સહકાર તેઓને મળે. બીજું મારા જેવા હજ્જારો લાખ્ખો કેન્સરના દર્દી ઓને એક સંદેશ આપવા માગું છું કે કેટલાક સમય પછી મારા ઘરની દીવાલ પર સુખડની સરસ માળા સાથે લટકાવેલો મારો ફોટો હશે, જેની નીચે એક વાક્ય અંકિત કરેલું હશે.
" પાર્થને કહો ચડાવે બાણ , હવે તો યુદ્ધ કલ્યાણ  "

હા !! મારો જીવન સંદેશ છે, અલવિદા !!!!

શુક્રવાર, 14 માર્ચ, 2014

જિંદગી રે જિંદગી (ભાગ ૫ )

પ્રશ્ન તો હું પણ ક્યારેક કરું છું મને કેમ ? ક્યારેય કોઈ જાતના વ્યસન સાથે સંબંધ ના જોડનાર હું કેવી રીતે જીવલેણ રોગ નો ભોગ બન્યો ? મારા હસતા-રમતા પરિવાર પર કેન્સર રૂપી વીજળી કેમ ત્રાટકી ? પણ ત્યાં મારી અંત:ચેતના મને જવાબ આપે છે; કોઈનો યુવાન પુત્ર અકસ્માત માં મૃત્યુ પામે, ધરતીકંપ ના આંચકાથી કાટમાળ માં દબાઈ એકાદ આખો ને આખો પરિવાર સાફ થઇ જાય, પોતાના દેશ માટે સરહદ પર લડનારો સૈનિક દુશ્મન ની ગોળીનો ભોગ બને , પોતાના કુટુંબના ભરણપોષણ માટે ખાણમાં કામ કરનારો ખાણીયો અકસ્માત થતાં ખાણમાં દટાઈ જાય, કે પછી એકાદ ખેતમજૂર ને ઝેરી જનાવર કરડતાં ત્યાં ને ત્યાં તેનું પ્રાણપંખેરું ઉડી જાય; બધા નું શું ? અરે! આમ આંખ બંધ કરીને ઉઘાડીએ એટલી વારમાં જો મૃત્યુ આભડી જતું હોય તો મને તો દસેક મહિના અગાઉથી નોટીસ તો મળી !!!પરમેશ્વરની કૃપાનો આનાથી વધારે વળી બીજો શું પુરાવો જોઈએ ?
શારીરિક અસ્વસ્થતા વધતી જતી હોઈ , નોકરી માં થી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી ; એક હાથમાં બહુ બધાં ફૂલો અને બીજા હાથમાં મસમોટી રકમનો ચેક લઇ , ભારેખમ વાતાવરણ વચ્ચે હું ઓફિસમાંથી " ગુડ બાય " કરું છું ; સમય પસાર કરવા શહેરની ખુબ મોટી અને અદ્યતન લાઈબ્રેરી માં દરરોજ ત્રણ-ચાર કલાક નિ :શુલ્ક સેવા આપવા જાઉં છું ; ટ્રસ્ટી મંડળ ની પરવાનગીથી લાઈબ્રેરિયન શ્રી પરમારને મદદરૂપ થવા થોડો યત્ન કરું છું ; પુસ્તકો, મેગેઝીન્સ, ફર્નીચર વગેરે ગોઠવવા થી લઈને કોમ્પ્યુટર પર નું કંઈ કામ હોય તો તે પણ કરી આપું છું ; આમેય વાંચન મારો પ્રિય શોખ રહ્યો છે ; સિવાય અઠવાડિયે એકાદ દિવસ હોસ્પીટલના કેન્સર વોર્ડની અચૂક મુલાકાત લઉં છું ; ત્યાં જઇ બધા દર્દી સાથે અનુભવોની આપલે કરું છું ; જીવનમાં બનેલા સારા-માઠા  પ્રસંગો ને તેઓની સાથે બેસી વાગોળવા પ્રયત્ન કરું છું ; વોર્ડમાં જાતજાતના દર્દીઓ છે. તેમાં એક વિશિષ્ટ  સ્ત્રી દર્દી છે. નામ છે, ડૉકટર સ્મિતા ખેર. મૂળ મહારાષ્ટ્ર ના પણ કુટુંબ વરસોથી ગુજરાત માં સ્થાયી થયેલું  એમ.બી.બી.એસ. અભ્યાસ સાથે વ્યવસાયે physician એવાં ડોક્ટર ખેરને ફક્ત 37 વર્ષ ની ઉંમરે પગમાં કશુંક  infection  થવાથી કેન્સર થયું છે. સર્જરી કરીને લગભગ એક આખો પગ શરીરથી અલગ કરી દીધો છે. છતાં અત્યારે કેન્સરના કોષો  શરીરના બીજા ભાગમાં પ્રવેશી ગયા છે. છેલ્લું સ્ટેજ  છે. તેમનું આખું કુટુંબ ભાંગી પડ્યું છે. પરંતુ તેઓ અપૂર્વ હિંમત અને ધીરજથી જીવલેણ રોગ સામે લડે છે. મારું મન અનાયાસ તેમની સ્થિરતા ભરી તાકાતને વંદી  રહ્યું છે.
આજે સારું ના લાગવાથી લાઈબ્રેરી માં જઈ  શક્યો નથી. નિધિ કોલેજ ગઈ છે. આસ્થા સ્કુલે છે. રશ્મિ  મારા માટે ગાજરનો રસ લઈને આવે છે. પ્યાલો ટીપોઈ પર મૂકી અચાનક મને વળગી ધ્રુસકે ચડે છે. " જય ! હું તમને ખોવા નથી માગતી, જય ! તમારા વિના બે દીકરીઓનું કામ હું કેમ પાર પાડીશ ? મને પણ તમારી સાથે લઇ જાવ, જય ! મારે હવે જીવીને શું કામ છે ? હવે મારાથી તમારું દુ: , તમારી પીડા જોવાતી નથી.............."
સૂરજનો તડકો અડે અને જેમ બરફ પીગળે તેમ મારું હૈયું પીગળવા લાગે છે. લાગણીઓ નું એક પ્રચંડ તોફાન મારી અંદરથી ઉઠીને બહાર આવવાની કોશિશ કરે છે, પણ ના !! છાતી પર સો મણની  શીલા જેટલું વજન મૂકી હું તોફાનને ત્યાં  ધરબી દઉં  છું. મારી અંદર રહેલું ચૈતન્ય મને કંઈક  કહેતું હોય એવું લાગે છે. મારા આતમ તત્વના અસ્પષ્ટ અવાજને ઓળખવાનો હું યત્ન  કરું છું. જાણે કે તે મને કહે છે કે " અરે ગાંડા !! પીડા તે કંઈ વહેંચવાની  વાત છે ? વહેચવું કંઈ  હોય તો પ્રેમ વહેંચ , ખુશીઓ વહેંચ  ............." અને ત્યારે રશ્મિના  આંસુઓ ના પૂરમાં તણાઈ જતા પહેલાં  હું જાગી જાઉં છું. ખુબ શાંતિ થી સમજાવી તેને સાંત્વના આપવાની કોશિશ કરું છું. અત્યારથી ભાંગી પડતાં  ભગવાન પર વિશ્વાસ રાખી દુઃખી થવા જણાવું છું. જીવન માં દરેકને પોતાનું ઇચ્છેલું બધું થાય એવી આશા હોય છે. પણ તો જરૂરી થોડું છે ? આપણા  મતલબથી અને આપણી  અનુકુળતાએ  ઉપરવાળો  દુનિયા ચલાવે તો જોઈએ શું ?

પૂનમની રાતે ભરતી આવીને જતી રહે, અને તે પછીના દિવસની વહેલી સવારે દરિયો જેમ શાંત થઇ જાય, તેમ  રશ્મિ  પણ ધીરે ધીરે શાંત થઇ જાય છે. વિખુટા પડવાના સંજોગો  પોતાના સ્વર્ગ સમાન ગૃહ ના બારણે આવીને ટકોરા મારી રહ્યા છે, તે કડવી હકીકતનો આભાસ તેના સમગ્ર અસ્તિત્વને ઝીન્ઝોડી નાખે છે. જો કે સત્ય કડવું હોય કે મીઠું , તેને સ્વીકાર્યા  સિવાય બીજી કોઈ  બારી પરમાત્માએ  ખુલ્લી રાખી નથી ને ?

બુધવાર, 23 ઑક્ટોબર, 2013

જિંદગી રે જિંદગી ( ભાગ -ચાર )






આજે તારીખ ચોથી ફેબ્રુઆરી. કીમો ની પ્રથમ સાઇકલ આજે મને આપશે. મનના કોઈક ઊંડા ખૂણે એક અદ્રશ્ય ભય ની છાયા ઉપસી આવે છે. જો કે હું જાણું છું કે આ શરૂઆત હોઈ, તેમ થવું એ સ્વાભાવિક છે. મારા કરતાંય વધુ રશ્મિ તથા નિધિ નર્વસ છે. પણ તેમને સંભાળવા માટે તો ગામથી મારો નાનો ભાઈ, તેની પત્ની ઉપરાંત મારી બહેન પણ આવી છે. હોસ્પીટલની એ રૂમ માં જાણે કે મારા પરિવારનું મિલન હતું. હા! આસ્થાને નહોતા લાવ્યા. થોડા દિવસો માટે તેને તેના મામાને ત્યાં મૂકી આવ્યા છીએ. પ્રફુલ્લ પણ રાજા મુકીને આવ્યો છે. મારી અંદર ઉત્પન્ન થયેલો એ ડર, બહાર કોઈનેય કળાવા ના દેવાના જાણે મેં  સોગંદ લીધા હોય, તેમ બધા સાથે હસીને વાતો કરી વાતાવરણ ને હળવું કરવાનો પ્રયત્ન કરું છું. છતાં હકીકત એ છે કે રશ્મિ ના ગંભીર ચહેરા પર હળવાશની એકાદ આછી-પાતળી રેખા પણ દેખાતી નથી. નિધિ તો છેલ્લા બે-એક અઠવાડિયામાં એટલી તો પરિપક્વ થઇ ગઈ છે, જાણે તેની ઉંમરના ચાળીસીના દાયકામાં ના હોય? Treatment રૂમ તરફ જતા, સ્ટ્રેચર કાર્ટ પુશ કરતાં કરતાં મારો હાથ પકડીને કહે કે, "પપ્પા, અમે બધાં જ તમારી સાથે છીએ, મનમાં જરાય ફિકર કરશો નહિ. મને વિશ્વાસ છે કે આપણે આમાંથી પાર ઉતરીશું જ. અને માય ડેડ ઈઝ બ્રેવ. એક દિવસ અહીંથી બધાં જ નોર્મલ રીપોર્ટસ સાથે તમને ઘરે લઇ જઈશું. આઈ લવ યુ, પપ્પા. બેસ્ટ ઓફ લક !!!! તેને થેન્ક્સ કહેતાં કહેતાં જ રશ્મિ ના ચેહરા તરફ દ્રષ્ટિ ને વાળું છું. બે કોરી આંખો માં એક વિષાદ, એક અદ્રશ્ય ભય નો આકાર ઉપસતો હું નિહાળી શકું છું. " મારી આ લડાઈ નો આજે પહેલો દિવસ છે, હની ! મને વિશ નહીં કરે?" હજી આટલું કહું ત્યાં તો તેની છાતી માં ઘુઘવાટા મારતો પીડાનો એ સાગર એક અશ્રુબિંદ બનીને તેની આંખોના ખૂણે આવી ઉભો રહી જાય છે. તેના ફફડતા હોઠ પરથી તેણે ગુડ લક કહ્યું તેવું સમજી લઉં છું. એટલામાં તો નાના ભાઈ ની પત્ની વાસંતી પૂજાની થાળી લઈને આવે છે. ધ્રુજતા હાથે મારા કપાળે તિલક કરી, અ ક્ષત લગાડી, હાથમાં ગોળ નો એક નાનો ટુકડો મુકે છે.

પણ તેવામાં તો મોડું થતું હોઈ, ડૉ. રાજગુરુ જાતે બહાર આવે છે. તેઓ કહે છે કે " તમારા બધાનું ઈમોશન હું સમજી શકું છું. પણ કોઈ કશી ચિંતા કરશો નહીં. હોપ ફૂલી, મિ. મહેતાને સારું થઇ જ જશે. તો હવે અમને અમારું કામ કરવા દો........" અને ત્યાં જ નર્સ મારું સ્ટ્રેચર અંદર લઇ , treatment રૂમ નું ડોર બંધ કરે છે.
આમ જ એક પછી એક કીમો ચાલતી રહે છે. હોસ્પિટલ, ઘર, પાછા હોસ્પિટલ, સર્જીકલ રૂમ, આંખો પર ઝળુંબ તી ડોમ લાઈટ્સ, સ્ટ્રેચર ના વ્હીલનો ચર-ચર અવાજ, માસ્ક પહેરેલા ડોકટરો ના ચહેરાઓ, ઇથરની ગંધ, ઈન્જેકસનની સિરીંજ, રશ્મિ ની દોડધામ.....................આ ચક્ર ચાલ્યા જ કરે છે. ચાલ્યા જ કરે છે. સિનેમા હોલ માં પ્રોજેક્ટર પર ફરતી ફિલ્મ ની રીલ ની જેમ જ સ્તો!!!!!
હજી ગઈકાલે જ કિમોથેરાપી ની છઠ્ઠી સાઈકલ  પતી , પ્રત્યેક વખત ની જેમ જ કીમો આપ્યાના બીજા દિવસે સી ટી  સ્કેન કરવામાં આવે છે . સી ટી સ્કેન નો રીપોર્ટ તપાસી રહેલા ડૉ રાજગુરુ ના મુખ પરના ભાવો વાંચવાનો હું પ્રયત્ન કરું છું પરંતુ ગામડાનો એકાદ અભણ માણસ જેમ અંગ્રેજી છાપું વાંચવાનો અસફળ પ્રયત્ન કરતો હોય, તેવી જ રીતે હું પણ તેમાં નિષ્ફળ રહું છું .જો કે ડોક્ટર ના મોં એ નિરાશાના શબ્દો તો ક્યારેય જીભ પર આવતા નથી .હું અન્યમનસ્ક થઇ તેમનું statement  સાંભળી રહ્યો છું . "મિસ્ટર મહેતા , ઈટ ઈઝ નોટ અ ટાઇમ  ટુ ગિવ અપ હોપ ............" પરંતુ મને ખબર પડી ગઈ છે કે આશા રૂપી નદી નું આ વહેણ , એક નાનું સરખું ઝરણ થઈને હવે તો ધીરે ધીરે સુકાવા પણ લાગ્યું છે .
મને ઘરે ઉતારી , રશ્મિ  થોડાં ફળફળાદી , શાક વિ લેવા બજાર ગઈ છે .એકલતા ના પરપોટા ને તોડી તેમાં થી બહાર આવવા હું ટી વી ઓન કરું છું . છતાં મન નથી લાગતું . સ્વિચ ઓફ કરી , શૂન્યમનસ્ક  અવસ્થા માં જ હું અરીસા સામે જઈ  ઉભો રહું છું .હા ! આ એકલતા કોણ જાણે કેમ , હમણાં હમણાં થી મને સાલે છે .કોઈક , સતત મારી પાસે હોય એવું મન ઝંખ્યા કરે છે .સામે વોલ પર જડેલા ફુલ સાઈઝ ના મિરર માં મારું પ્રતિબિંબ નિહાળું છું .થોડી વાર બસ તે જોયા જ કરું છું .માથા પરથી લગભગ બધા જ વાળ ઉતરી ગયા છે .અંધારી રાતે આકાશ માં ટમટમ તા તારાઓ જેમ પ્હો ફાટતાં જ પોતાનું તેજ ગુમાવે , તેમ રોગના લીધે આ શરીર ,પોતાનું તેજ ,પોતાનું ઓજસ -શક્તિ બધું જ ગુમાવવા લાગ્યું હતું .વિચારું છું કે ક્યાં મારું કેન્સર પહેલાનું જીવન અને ક્યાં વર્તમાન સમયનું વેરવિખેર જીવન ?મારા શરીર માં કેન્સરનો પ્રવેશ એ મારા પરિવાર માટે એકાદ સુનામી ,એકાદ વિનાશક ભૂકંપ કે એકાદ ભયાવહ દુર્ઘટના થી જરાય ઓછું નથી .આ રશ્મિ ને જ જુઓને ?છેલ્લા છ મહિનામાં કેટલી નંખાઈ ગઈ છે ?જાણે તેની ઉંમરમાં એક દસકો ના ચડી ગયો હોય ?તે કહી શકતી નથી ,પણ મારી ફિકર ધીરે ધીરે તેને ઉધઈ ની જેમ અંદર ને અંદર કોતરી ખાવા લાગી છે .નિધિ પણ મમ્મી ની પડખે રહી મારા માટે દોડાદોડ કરે છે .અબુધ ,નિર્દોષ બાળકી આસ્થા કુતુહલતાવશ ક્યારેક બધાને જાતજાતના પ્રશ્નો પૂછે છે .જેનો સાચો જવાબ તેને આપવાની હિંમત હજી સુધી કોઈએ દાખવી નથી .