પણ તેવામાં તો મોડું થતું હોઈ, ડૉ. રાજગુરુ જાતે બહાર આવે છે. તેઓ કહે છે કે " તમારા બધાનું ઈમોશન હું સમજી શકું છું. પણ કોઈ કશી ચિંતા કરશો નહીં. હોપ ફૂલી, મિ. મહેતાને સારું થઇ જ જશે. તો હવે અમને અમારું કામ કરવા દો........" અને ત્યાં જ નર્સ મારું સ્ટ્રેચર અંદર લઇ , treatment રૂમ નું ડોર બંધ કરે છે.
આમ જ એક પછી એક કીમો ચાલતી રહે છે. હોસ્પિટલ, ઘર, પાછા હોસ્પિટલ, સર્જીકલ રૂમ, આંખો પર ઝળુંબ તી ડોમ લાઈટ્સ, સ્ટ્રેચર ના વ્હીલનો ચર-ચર અવાજ, માસ્ક પહેરેલા ડોકટરો ના ચહેરાઓ, ઇથરની ગંધ, ઈન્જેકસનની સિરીંજ, રશ્મિ ની દોડધામ.....................આ ચક્ર ચાલ્યા જ કરે છે. ચાલ્યા જ કરે છે. સિનેમા હોલ માં પ્રોજેક્ટર પર ફરતી ફિલ્મ ની રીલ ની જેમ જ સ્તો!!!!!
હજી ગઈકાલે જ કિમોથેરાપી ની છઠ્ઠી સાઈકલ પતી , પ્રત્યેક વખત ની જેમ જ કીમો આપ્યાના બીજા દિવસે સી ટી સ્કેન કરવામાં આવે છે . સી ટી સ્કેન નો રીપોર્ટ તપાસી રહેલા ડૉ રાજગુરુ ના મુખ પરના ભાવો વાંચવાનો હું પ્રયત્ન કરું છું પરંતુ ગામડાનો એકાદ અભણ માણસ જેમ અંગ્રેજી છાપું વાંચવાનો અસફળ પ્રયત્ન કરતો હોય, તેવી જ રીતે હું પણ તેમાં નિષ્ફળ રહું છું .જો કે ડોક્ટર ના મોં એ નિરાશાના શબ્દો તો ક્યારેય જીભ પર આવતા નથી .હું અન્યમનસ્ક થઇ તેમનું statement સાંભળી રહ્યો છું . "મિસ્ટર મહેતા , ઈટ ઈઝ નોટ અ ટાઇમ ટુ ગિવ અપ હોપ ............" પરંતુ મને ખબર પડી ગઈ છે કે આશા રૂપી નદી નું આ વહેણ , એક નાનું સરખું ઝરણ થઈને હવે તો ધીરે ધીરે સુકાવા પણ લાગ્યું છે .
મને ઘરે ઉતારી , રશ્મિ થોડાં ફળફળાદી , શાક વિ લેવા બજાર ગઈ છે .એકલતા ના પરપોટા ને તોડી તેમાં થી બહાર આવવા હું ટી વી ઓન કરું છું . છતાં મન નથી લાગતું . સ્વિચ ઓફ કરી , શૂન્યમનસ્ક અવસ્થા માં જ હું અરીસા સામે જઈ ઉભો રહું છું .હા ! આ એકલતા કોણ જાણે કેમ , હમણાં હમણાં થી મને સાલે છે .કોઈક , સતત મારી પાસે હોય એવું મન ઝંખ્યા કરે છે .સામે વોલ પર જડેલા ફુલ સાઈઝ ના મિરર માં મારું પ્રતિબિંબ નિહાળું છું .થોડી વાર બસ તે જોયા જ કરું છું .માથા પરથી લગભગ બધા જ વાળ ઉતરી ગયા છે .અંધારી રાતે આકાશ માં ટમટમ તા તારાઓ જેમ પ્હો ફાટતાં જ પોતાનું તેજ ગુમાવે , તેમ રોગના લીધે આ શરીર ,પોતાનું તેજ ,પોતાનું ઓજસ -શક્તિ બધું જ ગુમાવવા લાગ્યું હતું .વિચારું છું કે ક્યાં મારું કેન્સર પહેલાનું જીવન અને ક્યાં વર્તમાન સમયનું વેરવિખેર જીવન ?મારા શરીર માં કેન્સરનો પ્રવેશ એ મારા પરિવાર માટે એકાદ સુનામી ,એકાદ વિનાશક ભૂકંપ કે એકાદ ભયાવહ દુર્ઘટના થી જરાય ઓછું નથી .આ રશ્મિ ને જ જુઓને ?છેલ્લા છ મહિનામાં કેટલી નંખાઈ ગઈ છે ?જાણે તેની ઉંમરમાં એક દસકો ના ચડી ગયો હોય ?તે કહી શકતી નથી ,પણ મારી ફિકર ધીરે ધીરે તેને ઉધઈ ની જેમ અંદર ને અંદર કોતરી ખાવા લાગી છે .નિધિ પણ મમ્મી ની પડખે રહી મારા માટે દોડાદોડ કરે છે .અબુધ ,નિર્દોષ બાળકી આસ્થા કુતુહલતાવશ ક્યારેક બધાને જાતજાતના પ્રશ્નો પૂછે છે .જેનો સાચો જવાબ તેને આપવાની હિંમત હજી સુધી કોઈએ દાખવી નથી .