રવિવાર, 13 એપ્રિલ, 2014

જિંદગી રે જિંદગી ( અંતિમ પ્રકરણ )

આજે કિમોથેરાપી ની છેલ્લી સાયકલ  મને આપવામાં આવી દવાના ઘેન ના કારણે , ઘરે આવી તરત સુઇ ગયો. હજી હમણાં આંખ ખુલી સામે વોલક્લોક માં સમયના કાંટા 6:50 પર સ્થિર થયેલા જોઈ રહ્યો છું. બારી બહાર નજર કરું છું તો એક તરફ સલૂણી સંધ્યા નાં  વળામણાં થઇ રહ્યાં  છે તો બીજી બાજુ ધીમા પગલે ,ચુપકીદી થી ડરામણી  નિબીડ  નિશા નું આગમન થઇ રહ્યું છે. દીવાલ પરની ટ્યુબ લાઈટ ના અજવાળે એક નાનું જીવડું ચકરાવે ચડ્યું છે. થોડીક વારે થાકથી કે ગમે તે કારણે ટ્યુબ લાઈટ ની બાજુમાં તે પોરો ખાવા બેસે છે. અરે! પણ શું? ગરોળી ક્યાંથી આવી ચડી? અનાયાસ મારા હૃદય ના ધબકારા વધવા લાગે છે. ત્યાં તો ગરોળી ધીરે રહીને જીવડાથી બે-ત્રણ ઇંચ ના છેટે સ્થિર થાય છે. હજી હું કાંઈ  વિચાર કરું કે ઉભો થાઉં પહેલાં  તો! ઓહ , નો !!!! ખેલ ખલાસ ? કેટલીક સેકન્ડો માટે જીવડું પોતાનો જીવ બચાવવા નો ધરખમ પ્રયાસ કરે છે. પણ , નાં!! અંતે ગરોળીના સકંજામાં નાનકડા જીવનો અંત આવી જાય છે. અકારણ મારું શરીર પરસેવે રેબઝેબ થઇ જાય છે. મીંચાઈ ગયેલી મારી આંખોની સામે  ગૂઢ  અંધકાર નું અડાબીડ સામ્રાજ્ય છે. ક્યાંય  કોઈ વાતાયન નથી કે નથી ક્યાંય  પ્રકાશનું એકાદ નાનું સરખું કિરણ , અતિ દૂર જિસ્મ રૂપી દીવડા ની એક સુક્ષ્મ અને પાતળી  જ્યોત પોતાના ટમ ટમાટ રૂપી અસ્તિત્વને ટકાવવા અથાહ અને સાવ નિરર્થક પ્રયત્ન કરતી ભાળી રહ્યો છું ? તો શુંસ્ટેશન થી શરુ થયેલી મારી જીવનગાડી નું છેલ્લું સ્ટેશનઆવી તો નથી પહોંચ્યું ને ? કદાચ, હા!!!
છેલ્લી કીમો ની સારવાર બાદ નો રીપોર્ટ અપેક્ષા કૃત નિરાશા જનક હતો. આજે પહેલી વાર મને લાગ્યું  અથવા એમ કહું કે મેં સ્વીકાર્યું કે કેન્સર સામેની લડાઈ માં હું હારી ગયો છું. હા!! હાર મારે સ્વીકારવી રહી. પણ તો શારીરિક હાર  થઇ. કેમ કે મારા દેહ ને નષ્ટ કરવામાં કેન્સર સફળ રહ્યો છે. પરંતુ રોગ નું નિદાન થયા પછી , મને એકદમ રોતલ બનાવી , માનસિક રીતે તોડી પાડી, મારું ત્વરિત પીક-અપ  કરવામાં તે સરિયામ નિષ્ફળ નીવડ્યો છે. જીવન-યાત્રા  હવે જયારે તેના છેલ્લા ચરણ માં છે ત્યારે એક વાત કહેવાનું રોકી નથી શકતો કે , રોગ સામે હું લડ્યો, તેની સામે બાથ ભીડી, ભલે હું હાર્યો, પરંતુ કપરા કાળ  દરમ્યાન મારી અંદર જે મજબૂતાઈ મેં અનુભવી છે, તે મારી, મને સૌથી ગમતી વાત છે. ડાયગ્નોસ થયાના દિવસથી આજ સુધી સામે આવીને ઉભેલી શારીરિક અને માનસિક પીડા ઓને , કોઈ મગરમચ્છ જેમ એકાદ માછલીને ગળી  જાય તેમ, હું ગળી  ગયો છું. હિંમત, આંતરિક બળની મેં સર્વદા પરમાત્મા પાસે અપેક્ષા કરી છે. અને તેમણે  મને તે બળ પ્રદાન કર્યું છે, પ્રભુની મારા પરની અસીમ-અસીમ કૃપા છે.
હા! મારા કેન્સર નિદાનને આજે લગભગ એક વરસ પૂરું થવા આવ્યું , છેલ્લા એકાદ વરસમાં જિંદગી ના કેટકેટલા રંગ જોવા મળ્યા ક્યારેક વિચારું છું કે ક્યાં અગાઉ વિતાવેલાં  42 વર્ષ અને ક્યાં કેન્સર નિદાન થયા પશ્ચાત નું એક વર્ષ ? કેટલો બધો ફરક ? અતિ સુંદર રંગ પૂરેલા કોઈ ચિત્ર પર અચાનક કાળી શાહી ઢળી જાય અને તે ચિત્ર ની આકર્ષકતા સમાપ્ત થઇ જાય ઠીક તેવી રીતે હર્ષ, ખુશી, આનંદ ,ઉલ્લાસ અને પ્રેમ ના રંગોથી ભરપુર મારા જીવન માં કેન્સર ના પ્રવેશે જીવન ચિત્રને કેટલું બેહુદું  બનાવી દીધું છે ? પરંતુ એક વાત કહેવાનું મન  થાય છે કે કસોટી ના કપરા કાળ દરમ્યાન મારા પરિવારે મને આપેલો સાથ અભૂતપૂર્વ છે, ખાસ તો નિધિ મારી જે કાળજી લીધી છે તેનું કોઈ મુલ્ય આંકી શકાય તેમ નથી. મારી દીકરી તરીકે હું કંઈ  તેનો આભાર નથી માનતો, પરંતુ  જે સ્વજન નજીકના ભાવિમાં કાયમ માટે પોતાથી વિખૂટું પડી જવાનું છે, તેની સારસંભાળ લેવી અને તે પણ હસતા મોંએ , બહુ કઠણ  છે. તેણે  મારા પર ચડાવેલું ઋણ કોઈ જન્મારે મારે ચુકવવું પડશે, તેની   માણસાઈ નો તારો મારા હૃદયાકાશ માં અહર્નિશ ઝગમગતો રહેશે, કાળજી લેવામાં તો રશ્મિ પણ ક્યાં કશી મણા  રાખી છે? મને નહીં , મારા પડછાયાને પણ ઉની આંચ આવે, તે સારું તેણે પોતાનું સમગ્ર અસ્તિત્વ હોડ માં મુક્યું છે. અરે!! મારી ચિંતાએ તો તેના ફૂલગુલાબી રૂપને પણ લુણો  લગાડી દીધો છે. આસ્થા નો નિર્દોષ ચહેરો તો જાણે મારી છાતી માં જડાઈ ગયો છે!! મારા પરિવાર નાં  ત્રણેય માટે ખુબ સુખી અને નિરામય ભાવી જીવન મારી પ્રાર્થનાનો એક મુદ્દો રહ્યો છે. આમનો સથવારો મારું  જીવનામૃત છે.
જીવનની ટ્રેન હવે ધીરે ધીરે તેના અંતિમ સ્ટેશન તરફ આગળ ધપી રહી છે, કેમકે એકાદ ચક્રવર્તી રાજવી જેમ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરે તેમ રોગે મારા શરીરમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે. અને, એટલે ટુકડે ટુકડે લખેલી લેખમાળા અહી પૂરી કરું છું. જો કે હવે તો તમને ખબર પડી ગઈ છે કે  વાર્તા વધારે આગળ ચાલે તેમ નથી. સમગ્ર જીવનમાં જે કંઈ મેળવ્યું, જે કંઈ  ગુમાવ્યું, જે કંઈ  જાણ્યું યા જે કંઈ  માણ્યું - બધું સાંગોપાંગ સ્વીકાર્ય છે. કશો રંજ નથી, કોઈ અફસોસ પણ નથી. જો જીવન રમત છે, તો હું તેને રીતે રમ્યો છું.
વિલક્ષણ ધરા પરથી અંતીમ ડગ માંડતા પહેલાં  દયાનિધાન પરમેસ્વરને  એટલી પ્રાર્થના અવશ્ય કરીશ કે એક તો આવો ગમ્ભીર રોગ કોઈનેય ના થાય, અને કદાચિત થાય તો આવું માનસિક બળ, આવું પારિવારિક વાતાવરણ, આવી ઉચ્ચ ટ્રીટમેન્ટ , તથા આજુબાજુનાં  બધાં નો આવો ઉષ્મા સભર સહકાર તેઓને મળે. બીજું મારા જેવા હજ્જારો લાખ્ખો કેન્સરના દર્દી ઓને એક સંદેશ આપવા માગું છું કે કેટલાક સમય પછી મારા ઘરની દીવાલ પર સુખડની સરસ માળા સાથે લટકાવેલો મારો ફોટો હશે, જેની નીચે એક વાક્ય અંકિત કરેલું હશે.
" પાર્થને કહો ચડાવે બાણ , હવે તો યુદ્ધ કલ્યાણ  "

હા !! મારો જીવન સંદેશ છે, અલવિદા !!!!