બુધવાર, 23 ઑક્ટોબર, 2013

જિંદગી રે જિંદગી ( ભાગ -ચાર )


આજે તારીખ ચોથી ફેબ્રુઆરી. કીમો ની પ્રથમ સાઇકલ આજે મને આપશે. મનના કોઈક ઊંડા ખૂણે એક અદ્રશ્ય ભય ની છાયા ઉપસી આવે છે. જો કે હું જાણું છું કે આ શરૂઆત હોઈ, તેમ થવું એ સ્વાભાવિક છે. મારા કરતાંય વધુ રશ્મિ તથા નિધિ નર્વસ છે. પણ તેમને સંભાળવા માટે તો ગામથી મારો નાનો ભાઈ, તેની પત્ની ઉપરાંત મારી બહેન પણ આવી છે. હોસ્પીટલની એ રૂમ માં જાણે કે મારા પરિવારનું મિલન હતું. હા! આસ્થાને નહોતા લાવ્યા. થોડા દિવસો માટે તેને તેના મામાને ત્યાં મૂકી આવ્યા છીએ. પ્રફુલ્લ પણ રાજા મુકીને આવ્યો છે. મારી અંદર ઉત્પન્ન થયેલો એ ડર, બહાર કોઈનેય કળાવા ના દેવાના જાણે મેં  સોગંદ લીધા હોય, તેમ બધા સાથે હસીને વાતો કરી વાતાવરણ ને હળવું કરવાનો પ્રયત્ન કરું છું. છતાં હકીકત એ છે કે રશ્મિ ના ગંભીર ચહેરા પર હળવાશની એકાદ આછી-પાતળી રેખા પણ દેખાતી નથી. નિધિ તો છેલ્લા બે-એક અઠવાડિયામાં એટલી તો પરિપક્વ થઇ ગઈ છે, જાણે તેની ઉંમરના ચાળીસીના દાયકામાં ના હોય? Treatment રૂમ તરફ જતા, સ્ટ્રેચર કાર્ટ પુશ કરતાં કરતાં મારો હાથ પકડીને કહે કે, "પપ્પા, અમે બધાં જ તમારી સાથે છીએ, મનમાં જરાય ફિકર કરશો નહિ. મને વિશ્વાસ છે કે આપણે આમાંથી પાર ઉતરીશું જ. અને માય ડેડ ઈઝ બ્રેવ. એક દિવસ અહીંથી બધાં જ નોર્મલ રીપોર્ટસ સાથે તમને ઘરે લઇ જઈશું. આઈ લવ યુ, પપ્પા. બેસ્ટ ઓફ લક !!!! તેને થેન્ક્સ કહેતાં કહેતાં જ રશ્મિ ના ચેહરા તરફ દ્રષ્ટિ ને વાળું છું. બે કોરી આંખો માં એક વિષાદ, એક અદ્રશ્ય ભય નો આકાર ઉપસતો હું નિહાળી શકું છું. " મારી આ લડાઈ નો આજે પહેલો દિવસ છે, હની ! મને વિશ નહીં કરે?" હજી આટલું કહું ત્યાં તો તેની છાતી માં ઘુઘવાટા મારતો પીડાનો એ સાગર એક અશ્રુબિંદ બનીને તેની આંખોના ખૂણે આવી ઉભો રહી જાય છે. તેના ફફડતા હોઠ પરથી તેણે ગુડ લક કહ્યું તેવું સમજી લઉં છું. એટલામાં તો નાના ભાઈ ની પત્ની વાસંતી પૂજાની થાળી લઈને આવે છે. ધ્રુજતા હાથે મારા કપાળે તિલક કરી, અ ક્ષત લગાડી, હાથમાં ગોળ નો એક નાનો ટુકડો મુકે છે.

પણ તેવામાં તો મોડું થતું હોઈ, ડૉ. રાજગુરુ જાતે બહાર આવે છે. તેઓ કહે છે કે " તમારા બધાનું ઈમોશન હું સમજી શકું છું. પણ કોઈ કશી ચિંતા કરશો નહીં. હોપ ફૂલી, મિ. મહેતાને સારું થઇ જ જશે. તો હવે અમને અમારું કામ કરવા દો........" અને ત્યાં જ નર્સ મારું સ્ટ્રેચર અંદર લઇ , treatment રૂમ નું ડોર બંધ કરે છે.
આમ જ એક પછી એક કીમો ચાલતી રહે છે. હોસ્પિટલ, ઘર, પાછા હોસ્પિટલ, સર્જીકલ રૂમ, આંખો પર ઝળુંબ તી ડોમ લાઈટ્સ, સ્ટ્રેચર ના વ્હીલનો ચર-ચર અવાજ, માસ્ક પહેરેલા ડોકટરો ના ચહેરાઓ, ઇથરની ગંધ, ઈન્જેકસનની સિરીંજ, રશ્મિ ની દોડધામ.....................આ ચક્ર ચાલ્યા જ કરે છે. ચાલ્યા જ કરે છે. સિનેમા હોલ માં પ્રોજેક્ટર પર ફરતી ફિલ્મ ની રીલ ની જેમ જ સ્તો!!!!!
હજી ગઈકાલે જ કિમોથેરાપી ની છઠ્ઠી સાઈકલ  પતી , પ્રત્યેક વખત ની જેમ જ કીમો આપ્યાના બીજા દિવસે સી ટી  સ્કેન કરવામાં આવે છે . સી ટી સ્કેન નો રીપોર્ટ તપાસી રહેલા ડૉ રાજગુરુ ના મુખ પરના ભાવો વાંચવાનો હું પ્રયત્ન કરું છું પરંતુ ગામડાનો એકાદ અભણ માણસ જેમ અંગ્રેજી છાપું વાંચવાનો અસફળ પ્રયત્ન કરતો હોય, તેવી જ રીતે હું પણ તેમાં નિષ્ફળ રહું છું .જો કે ડોક્ટર ના મોં એ નિરાશાના શબ્દો તો ક્યારેય જીભ પર આવતા નથી .હું અન્યમનસ્ક થઇ તેમનું statement  સાંભળી રહ્યો છું . "મિસ્ટર મહેતા , ઈટ ઈઝ નોટ અ ટાઇમ  ટુ ગિવ અપ હોપ ............" પરંતુ મને ખબર પડી ગઈ છે કે આશા રૂપી નદી નું આ વહેણ , એક નાનું સરખું ઝરણ થઈને હવે તો ધીરે ધીરે સુકાવા પણ લાગ્યું છે .
મને ઘરે ઉતારી , રશ્મિ  થોડાં ફળફળાદી , શાક વિ લેવા બજાર ગઈ છે .એકલતા ના પરપોટા ને તોડી તેમાં થી બહાર આવવા હું ટી વી ઓન કરું છું . છતાં મન નથી લાગતું . સ્વિચ ઓફ કરી , શૂન્યમનસ્ક  અવસ્થા માં જ હું અરીસા સામે જઈ  ઉભો રહું છું .હા ! આ એકલતા કોણ જાણે કેમ , હમણાં હમણાં થી મને સાલે છે .કોઈક , સતત મારી પાસે હોય એવું મન ઝંખ્યા કરે છે .સામે વોલ પર જડેલા ફુલ સાઈઝ ના મિરર માં મારું પ્રતિબિંબ નિહાળું છું .થોડી વાર બસ તે જોયા જ કરું છું .માથા પરથી લગભગ બધા જ વાળ ઉતરી ગયા છે .અંધારી રાતે આકાશ માં ટમટમ તા તારાઓ જેમ પ્હો ફાટતાં જ પોતાનું તેજ ગુમાવે , તેમ રોગના લીધે આ શરીર ,પોતાનું તેજ ,પોતાનું ઓજસ -શક્તિ બધું જ ગુમાવવા લાગ્યું હતું .વિચારું છું કે ક્યાં મારું કેન્સર પહેલાનું જીવન અને ક્યાં વર્તમાન સમયનું વેરવિખેર જીવન ?મારા શરીર માં કેન્સરનો પ્રવેશ એ મારા પરિવાર માટે એકાદ સુનામી ,એકાદ વિનાશક ભૂકંપ કે એકાદ ભયાવહ દુર્ઘટના થી જરાય ઓછું નથી .આ રશ્મિ ને જ જુઓને ?છેલ્લા છ મહિનામાં કેટલી નંખાઈ ગઈ છે ?જાણે તેની ઉંમરમાં એક દસકો ના ચડી ગયો હોય ?તે કહી શકતી નથી ,પણ મારી ફિકર ધીરે ધીરે તેને ઉધઈ ની જેમ અંદર ને અંદર કોતરી ખાવા લાગી છે .નિધિ પણ મમ્મી ની પડખે રહી મારા માટે દોડાદોડ કરે છે .અબુધ ,નિર્દોષ બાળકી આસ્થા કુતુહલતાવશ ક્યારેક બધાને જાતજાતના પ્રશ્નો પૂછે છે .જેનો સાચો જવાબ તેને આપવાની હિંમત હજી સુધી કોઈએ દાખવી નથી .

ટિપ્પણીઓ નથી: