શુક્રવાર, 29 જુલાઈ, 2011

જિંદગી રે જિંદગી (ભાગ - ત્રણ)

ડોક્ટર રાજગુરુ ના મુખ પરના ભાવો વાંચીને મને લાગ્યું કે મારો જવાબ તેમની અપેક્ષા મુજબનો જ હતો. છેવટે નક્કી થયું કે મારે કિમોથેરાપી ની આઠ સાઇકલ લેવી પડશે. પ્રથમ ચાર સાઇકલ, દર ત્રણ અઠવાડીએ એક વખત અને બાકીની ચાર દર માસે એક વખત. આમ કુલ સાતેક મહિનાની treatment તેમણે લખી આપી. તારીખોનું શીડ્યુલ પણ તુરત જ બની ગયું. મારું નિદાન કરનાર ડો.નયન પંચાલ, તેમ જ ઓન્કોલોજીસ્ટ ડો. ભૂવાને પણ આ શીડ્યુલ ની જાણ કરી દેવામાં આવી. જેથી નિયત તારીખ અને સમયે તેઓ હાજર રહી શકે. આજથી બરાબર અગિયાર દિવસ પછી એટલે કે આવતા મહિનાની ૪ થી તારીખે મને, કિમોની પ્રથમ સાઇકલ આપવામાં આવશે. બીજી કેટલીક જરૂરી સૂચનાઓ લઇ અમે છુટા પડ્યા.


'કિમો' શરુ કરવાને હજી દસેક દિવસની વાર હતી, અને શારીરિક તપાસ માટે લીધેલી રજાઓ પણ પૂરી થઇ હતી. જેથી આજે નોકરી પર જવાનું નક્કી હતું. મારી અપેક્ષા કૃત મારા પહોંચતા અગાઉ જ પવનની પાંખોએ ચડીને વાત ત્યાં પહોંચી ગઈ હતી. ઓફિસમાં પ્રવેશતાં જ મને એક નવીન વાતાવરણ નો અનુભવ થાય છે. આમ તો દરેકની આંખોમાં અલગ અલગ ભાવો છે. પરંતુ આ બધા ભાવોમાં સહાનુભુતિ નો ભાવ મિશ્રિત થયેલો હું સ્પષ્ટ વાંચી શકું છું. મને લાગે છે, મારું સમગ્ર અસ્તિત્વ મારાથી વિખૂટું પડી ગયું છે. અલગ થયેલું એ જર્જર, રોગથી અશક્ત, સાવ ખખડધજ હાડપિંજર સમું મારું અસ્તિત્વ મારી બાજુમાં જ ઉભું છે, જેના તરફ પ્રત્યેક ની દ્રષ્ટિ છે. લકવો થયેલા માણસનું એકાદ અંગ રહી જાય, તેમ મારું મગજ ઘડીવાર માટે સુન્ન મારી જાય છે. મને લાગે છે હું અહિંયાં છું જ નહિ. અર્ધ તંદ્રાગ્રસ્ત અવસ્થામાં સારી ગયેલો હું જોઉં છું કે હું એકલો જ ચાલી નીકળ્યો છું. ક્યાંક, કોઈક અણ જાણ સફરે. ઉપર એકદમ સ્વચ્છ અને નિરભ્ર આકાશ છે. સાવ સૂમસામ, તદ્દન નીરવ રસ્તા પર મારી આંખો જડાયેલી છે. મધ્યાહ્ને પહોંચતા પહેલાંની અવસ્થાએ ટકેલો સૂરજ તપું તપું થઇ રહ્યો છે. પવન એકદમ મંદ ગતિએ વહી રહ્યો છે. એકાદ આળસુ અજગર પડ્યો હોય તેવા સામે પડેલા અનંત, અફાટ અને વેરાન રસ્તા પર હું બસ ચાલ્યે જાઉં છું. ચાલ્યે જ જાઉં છું, ચાલ્યે જ જાઉં છું.................

તેવામાં તો પ્રફુલ્લ મને પકડીને લગભગ હચમચાવી નાખે છે. કહે છે " મહેતા-મહેતા, આ શું થઇ ગયું તને ? આ તો મને થવાની જરૂર હતી મારા દોસ્ત! ઉપરવાળાએ કશીક ભૂલ કરી લાગે છે. અરે! હું આ જિંદગીથી કંટાળી ગયો છું, થાકી ગયો છું. યાર! મને કોઈની લાગવી જોઈતી હતી, તે નજર તને ક્યાંથી લાગી ગઈ? " ધીરે ધીરે બધા મને વીંટળાઈ વળે છે. accounts માં કામ કરતી સોનિયા પાણીનો ગ્લાસ લાવીને આપે છે. "શરૂના સ્ટેજમાં ચોક્કસ મટી જાય છે, કિમો થી તો ઘણાને સારું થઇ ગયેલું છે. ડો. રાજગુરુ નો હાથ તો બહુ સારો છે, તમે કશી બાબત ની ચિંતા કરશો નહિ, મહેતા સાહેબ. કામનું adjustment બધા મળીને કરી લઈશું. ઘરનું કઈ કામ હોય તો પણ કહેતા સંકોચ ના કરતા......." આ અને આવા ઘણા બધા સંવાદો ચાલે છે. ત્યાં જ મારા ટેબલ પરનો ફોન રણકી ઉઠે છે. કોલર આઈ ડી પર જોઈ લઉં છું, કંપની ના માલિક શ્રી. એસ.કે. જૈન સાહેબ લાઈન પર છે. ઝટ દઈને હું રીસીવર ઉપાડું છું. " ગુડ મોર્નિંગ સર......" આટલું કહેતામાં તો કોણ જાણે કેમ મને પરસેવો વળી જાય છે. " મિ. મહેતા, સોરી ટુ હિયર ધ બેડ ન્યુઝ, બટ યુ નો, કશી ચિંતા કરવાની જરૂર નથી. કિમોથેરાપી ઈઝ ધ બેસ્ટ option . અહિયાં બોમ્બે આવીને treatment કરાવવી હોય તો પણ હું બધી વ્યવસ્થા કરી દઈશ. સો, ડોન્ટ વરી અબાઉટ ઇટ. અને હા! આ મલેશિયા વાળો પ્રોજેક્ટ પતી જાય પછી વીકમાં ચાર દિવસ જ attendance આપજો. આઈ વિલ મેનેજ. તમને થોડો રેસ્ટ પણ મળી જાય. એન્ડ મોસ્ટ પ્રોબેબ્લી, આવતા વીકે ત્યાં આવું છું ત્યારે મળીએ......" થેંક યુ, સર કહી ને મેં ફોન મુક્યો. છેલ્લા અગિયાર વરસથી આ એક જ જગ્યાએ કામ કરતાં કરતાં, કંપનીના માલિક થી લઇ ઓફીસ ના તમામ સભ્યો સાથે ના સંબંધોમાં મધુરપ લાવવાનો મેં યથાશક્તિ પ્રયત્ન કર્યો હતો. અને મહદ અંશે હું તેમાં સફળ રહ્યો હતો. તેવું મારા આજના અનુભવમાં પ્રતિબિમ્બિત થતું હતું.

આમ તો જો કે બધા સાથે ફાવટ છે, પણ આ પ્રફુલ્લ સાથે જરા વધારે ઘરોબો થઇ ગયો છે. અને હા! આ પ્રફુલ્લ પટેલ ની પણ એક સ્ટોરી છે. ચરોતરના નાના-શા ગામડાના ખુબ સુખી ઘરનો એકનો એક દીકરો. ભણ્યો પણ સારું. અને લગ્ન થયું ત્યાં સુધી તો બધું બરાબર હતું. કશું અપલક્ષણ પણ નહીં. પરંતુ લગ્ન બાદ તેના જીવનની બધી રેખાઓ બદલાઈ ગઈ. જાણે લગ્ન એ એના જીવનની કરુણાંતિકા બની રહી. કર્મસંજોગે, સ્વભાવ ની ખુબ જ કર્કશા પત્ની મળી. સ્વભાવ તો એવો કે સુતા હોય તો ઉઠાડી ને ઝઘડે. કરવત ની ધાર ને પણ સારી કહેવડાવે એવી આગઝરતી વાણી. આ કારણે પ્રફુલ્લ ધીરે ધીરે મન થી તૂટતો ગયો. ક્યારેક તે મને કહેતો કે તેને એક નહીં પણ એકસામટા હજ્જારો શાપ મળ્યા, જેથી આ કુપાત્ર સાથે તેની જિંદગી જોડાઈ. પછી તો છાતી માં બળબળતી આ પીડા ને તેણે દારૂ ના ગ્લાસ માં ડુબાડવાનો પ્રયત્ન કર્યો. પણ દારુએ વળી ક્યાં કોઈને મુસીબત થી છુટકારો અપાવ્યો છે ? બાકી અંદર થી ખુબ ભલો માણસ. હું વિચારું છું કે બુરાઈ શામાં છે ? શું દારૂ પીવો એ બુરાઈ છે ? કે પછી દારૂ ન પીતાં કોઈના અંતર ને અકારણ લોહીલુહાણ કરવું એ બુરાઈ છે ?

વધુ આવતા અંકે..........ટિપ્પણીઓ નથી: