સોમવાર, 21 માર્ચ, 2011

જિંદગી રે જિંદગી ( ભાગ-૨ )

ભરચોમાસે વરસતા મુશળધાર વરસાદની જેમ અમારા ત્રણેની આંખો વહી રહી હતી. ધીરે ધીરે એ આંસુઓનો સ્ટોક પણ ખૂટી ગયો. અમે થોડાં સ્વસ્થ થયાં. નિધિ એ ઉઠીને મને તથા રશ્મિને પાણી આપ્યું. એક રોગના નિદાન થવાના કારણે અમારા કુટુંબ જીવનનો આખેઆખો સંદર્ભ બદલાઈ ગયો હતો. એક અજ્ઞાત ભય ત્રણેને વળગી ગયો હતો. વાતાવરણમાં એક ગજબનો પલટો વર્તાતો હતો. ગમગીની ની ચાદર તળે, અમે, જાણે કે ઢંકાઈ ગયાં હતાં. કેન્સરના રોગરુપી અજગરે મને એકલાને જ ભરડો લીધો હતો, પણ તેની મહત્તમ અસર આ બન્નેને પણ થઇ હતી. જો કે રાત્રે મેં આવનારી પરિસ્થિતિઓ નો તાગ કાઢી જ લીધો હતો. એટલે વાતની શરૂઆત પણ મેં જ કરી. " જુઓ, જે સત્ય નિર્ધારિત થઈને આપણી સમક્ષ આવ્યું છે, તેમાં આપણાથી કંઈ જ ફરક કરી શકાવાનો નથી. તો તેને અવગણીને પણ કાંઈ તેમાંથી મુક્તિ મળી જવાની નથી. જે કંઈ પ્રતિકૂળ, પીડાજનક પરિસ્થિતિ સામે આવી છે, તેનો આપણે સ્વીકાર કરવો પડશે, સામનો કરવો પડશે. અને તમે બંને તો મારા હાથ-પગ છો. તમે જો ભાંગી પડશો, તો હું આ રોગ સામે લડી નહીં શકું..............."


આ અને આવી ઘણી બીજી વાતો થઇ. પરિસ્થિતિ નો હસતા મોંએ સ્વીકાર કે આ બધું કાંઈ મારો પલાયનવાદ ન હતો, પણ ધારો કે ભવિષ્ય માં કોઈ દુ:સહ પરિણામ આવવાનું હોય, તો તેને માટે મારે તેમને તૈયાર કરવાં હતાં. મારા મનમાં એક એવા વિચારનો પ્રસવ થયો હતો કે કદાચિત ભાવિ માં જો તેમને પીડા આવવાની જ હશે, તો અત્યારથી જ તે પીડાનું બીજ રોપી તેને ઘેઘુર વૃક્ષ શા માટે થવા દેવું? જેટલો સમય મારે આ રોગ ની સામે લડવા જોઈએ છીએ, તે સમયખંડ માં તેમનો સાથ મારા માટે આત્યંતિક જરૂરી હતો. અને તેના માટે તો તેમનામાં આ માનસિક હિંમતનું પ્રત્યારોપણ કરવાનો હું પ્રયત્ન કરી રહ્યો હતો. બીજી મહત્વની વાત કે આવા કપરા સમયે, જો હું શાંતિ કે ધીરજ ના રાખી શકું તો પરિણામ ધાર્યા કરતાં વહેલું અને વિપરીત આવવાની જ તમામ શક્યતાઓ વધારી આપવાની કે બીજું કંઈ? ઘણી સમજાવટ ને અંતે છેવટે અમે એક વાત પર સહમત થયાં કે આજ પછી ક્યારેય રડતલ બનીને મન તથા શરીર ને કષ્ટ આપવું નહીં. ઉપરાંત આના માટે ઉપલબ્ધ જે કોઈ સારામાં સારી ટ્રીટ મેન્ટ મળે તે કરાવી, આ રોગ રૂપી ચક્રવ્યૂહ માંથી બહાર નીકળવાનો બનતો તમામ પ્રયત્ન કરવો.

ડોક્ટર નયન પંચાલ પાસેથી માહિતી મેળવી આ બાબત ના નિષ્ણાત ડો. રાજગુરુ ને મળી પરિસ્થિતિ થી વધારે વાકેફ થવું તેમ નક્કી કર્યું. ફોનથી એપોઇન્ટ મેન્ટ લઇ, નિયત સમયે, આજે , અત્યારે તેમની સામે બેઠાં છીએ. રશ્મિ તથા નિધિ પણ મારી સાથે જ છે. બધા જ રીપોર્ટસ, તથા મારી શારીરિક તપાસ કર્યા બાદ , તેમણે જે સલાહ આપી તે અમુલ્ય છે. આ રોગ તથા તેની ટ્રીટ મેન્ટ ને સમજવામાં તેઓની પાસેથી મને બહુ જ મદદ મળી. તેમની સૌથી પોઝીટીવ વાત જે મને સ્પર્શી છે, તે છે તેમનું દર્દી સાથે નું ઇન્વોલ્વ મેન્ટ. અંદાજે છ ફૂટ જેટલી ઊંચાઈ, મજબુત બાંધો, અને સિલ્વર ફ્રેમ માં જડેલા આઈ ગ્લાસીસ ની પારથી તાકતી બે ધારદાર મોટી મોટી આંખો. નેશનલ લેવલે નેટ વર્ક ધરાવતી કંપની ના આસી સ્ટંટ સી ઈ ઓ તરીકે આટલાં વરસો થી કામ કરતાં કરતાં મારે બહુ બધા વ્યક્તિઓ સાથે સંપર્ક માં આવવાનું બન્યું છે. આ અનુભવ ના આધારે એટલું તો કહી જ શકું કે એકાદ સીનીયર ડોક્ટરની હોવી જોઈએ તે બધી જ characteristics ના ધણી ડો.રાજગુરુ છે. ખુબ જ ધીમે, એકદમ શાંતિથી પરંતુ અત્યંત મક્કમતા થી વાત કરવાની તેમની સ્ટાઈલ માં એક રણકો છે. નક્કર અવાજ ના માલિક આ ડોક્ટર ની જીભેથી બહાર પડતા એકેએક શબ્દ માં થી ટપકે છે, નર્યો જ આત્મ વિશ્વાસ.

પ્રથમ તો મારી કૌટુંબિક જવાબદારીઓ, મારી નાણાંકીય હાલત, નોકરીની સ્થિતિ -આ બધી વાત થી તેઓ માહિતગાર થયા. પછી મને કહ્યું કે -"મિ. મહેતા, વી આર એટ ધ બોર્ડર. કિમોથેરાપી થી ૫૦-૫૦ ટકા ચાન્સ છે. I know, it's a long journey. But, I am optimistic. You still not have reached the non-curable stage of the disease. So, if you want................" અને હું સમજી ગયો.



મેં કહ્યું કે " ડોક્ટર, આ લડાઈ મારે લડવી છે. મારી જીત થશે કે હાર, તેની મને કંઈ પરવા નથી. પણ મફતમાં આ રોગ ને મારે જીત નથી આપી દેવી. સામે ચાલીને આ જીવન તેને ભેટ નથી ધરવું. As I strive, to not let this cancer, overwhelm ME. આ રોગ રૂપી સમસ્યાને હું મારા જીવન પર સવાર નહિ થવા દઉં, ડોક્ટર. હું લડીશ, મારી તમામ તાકાત ખર્ચી ને આ ચક્રવ્યૂહ માંથી હું બહાર આવીશ, ડોક્ટર!!......" આટલું કહેતા માં તો મને, કોણ જાણે કેમ કપાળે પરસેવો વળી ગયો. શરીર એક આછો કંપ અનુભવે છે. શું આ ડર હશે? મન અનાયાસ જ વિચારો ના વમળમાં ઘુમરીઓ ખાય છે.

(વધુ આવતા અંકે.......)



2 ટિપ્પણીઓ:

Ronny Ptel કહ્યું...

With right length and line, you're delivering on the mark

Ronny Ptel કહ્યું...

No updates today either?