રવિવાર, 26 સપ્ટેમ્બર, 2010

મનના મેળામાં (ભાગ બીજો)

કુદરતે આ માનવમન માં બહુવિધ રંગો ભર્યા છે.અહીં પ્રેમ છે તેમ ઘૃણા પણ છે.હર્ષ છે તો શોક પણ છે. કરુણા છે તેમ તિરસ્કાર પણ છે.આનંદ છે તેમ વ્યથા પણ છે, વાત્સલ્ય છે અને વાસના પણ છે. એક તરફ અપ્રતિમ ભાવોનું સંગીત છે તો બીજી તરફ તુચ્છકાર નો કોલાહલ પણ મનમાં જ છે.મેઘધનુષ ના રંગોની જેમ આપણું મન વિવિધ રંગોની બનાવેલી એક રંગોળી છે. આ રંગો, આ ભાવ પર મનની પક્કડ છે. તે બધા પર મનનો અદમ્ય કાબુ છે. અહીં પણ મનનું એક વૈશિષ્ટ્ય(speciality )છે. મન ક્યારેય આ બધા ભાવોનું મિશ્રણ કરી નાખી તેમાં ગોટાળો નથી થવા દેતું. પોતાના વ્હાલસોયા જુવાન દીકરાના મસ્તક પર એક મા હાથ ફેરવતી હોય, તેની પીઠ પંપાળતી હોય કે પછી તેને છાતી સરસો ચાંપતી હોય ત્યારે તેના મનમાં એક ભાવ હોય છે. અને આજ સ્ત્રી જયારે પોતાના પતિના શરીરને સ્પર્શ આપે છે ત્યારે તેનો માનસિક ભાવ જુદો જ હોય છે. કહેવાનું તાત્પર્ય કે આ બંને વખતના મનના ભાવ જુદાજુદા હોય છે, તે મિક્સ નથી થઇ જતા. દીકરી એ દીકરી છે, તેના પ્રત્યેનો બાપનો ભાવ, પ્રેમ -આનું સ્થાન જગતની કોઈ વસ્તુ ના લઇ શકે. પણ આના લીધે તે વ્યક્તિનો પોતાની પત્ની પ્રત્યેનો જે પ્રેમ છે તેમાં કંઈ બાધા નથી આવતી. કારણકે બંને અલગ અલગ ભાવો પર મનની પક્કડ છે. બંને વખતની સ્થિતિ પર મનનો કાબુ હોઈ, આ રંગોનું cocktail નથી થઇ જતું. વ્યાવહારિક માનવીય જીવનમાં મનની કેટલી અગત્યતા છે તેનું આનાથી વધુ શ્રેષ્ઠ ઉદાહરણ કયું હોઈ શકે ?


આ જગતમાં સંબંધોની કડીઓથી આપણે બધા જ જોડાયેલા છીએ. આ માનવ સંબંધોની માવજત કરવા માટે પણ મન એક મહત્વની કડી છે. ક્યારેક કોઈ અણગમતા વ્યક્તિની આગતાસ્વાગતા કરવી પડે તો તેમાં લુખ્ખાશ જણાઈ આવે છે, કેમ કે તેમાં આપણું મન નથી હોતું. જયારે મનથી કરેલા સ્વાગતમાં એક પ્રકારનું માધુર્ય છલકાય છે. આ ફરક આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. દુર્યોધન નું રોયલ ડીનર છોડી કૃષ્ણ વિદુરના ઘરની ભાજી ખાવા કેમ ગયેલા ? કેમકે બંને ને એક બીજા પ્રત્યે મન નહોતું. ટૂંકમાં મન ના હોય તો એક બીજા સાથે આખું આયખું વિતાવવા છતાં કે પછી જીવનભર એક પથારી પર સાથે સુવા છતાં બે માનવજીવનો વચ્ચે હજ્જારો માઇલોનું અંતર હોય છે, એ સ્થૂળ સ્પર્શ નું કોઈ મુલ્ય નથી હોતું. જયારે મનથી જેણે એકબીજાને પોતાનાં માન્યાં હોય તેઓ કદાચ જોજનો દુર હોય તો પણ સતત એકબીજાને પોતાની પાસે અનુભવે છે. એકબીજાનો સુક્ષ્મ સ્પર્શ પામી શકે છે. ત્યાં બંને વચ્ચે એક તણખલાથી પણ વધારે અંતર નથી હોતું. મનોજગત નું આ એક પ્રતિબિંબ છે.

આ મનનું એક વિજ્ઞાન છે. શૈક્ષણિક ભાષા માં તેને મનોવિજ્ઞાન કહે છે. જીવન માં સુખ- દુખ, હર્ષ-શોક, લાભ-હાનિ, જય- પરાજય , આ બધું આવતું જ રહેવાનું. એ નિયતિના ક્રમનો એક ભાગ છે. પણ આ બધા ભાવોની છાપ (imprint ) પહેલાં મન ઉઠાવે છે. સારામાં સારું જમણ જમવા બેઠા હોઈએ અને અતિશય દુખના કોઈ સમાચાર આવે તો તે વિશિષ્ટ ભોજન પણ કડવું ઝેર લાગે છે. પેલા અશુભ સમાચાર ની imprint તરત જ મન ઉઠાવે છે. પછી મનમાંથી ઓર્ડર છુટે છે જે હ્રદયને ભાવાર્દ્ર કરે છે. આર્દ્રતા નો આ ભાવ આંખોથી અશ્રુ રૂપે વહે છે. આપણી તબિયત એકસોને દસ ટકા સારી હોય - પણ આવા સમયે પોતાનું એકનું એક વ્હાલસોયું બાળક તાવમાં તરફડતું હોય તો ? તો; આપણી તબિયત બગડ્યા વગર નથી રહેતી. કેમ ? કેમકે આ ઘટનાની સીધી છાપ મન પર પડે છે.

આ માનવશરીર ભગવાને આપેલી અમુલ્ય સંપત્તિ છે, શારીરિક બાહ્ય દેખાવ સુંદર હોય તે ચામડીની સુંદરતા છે. બીજા વ્યક્તિ પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટિ( vision ) પરથી આપણા મનની સુંદરતા કે કુરૂપતા નક્કી થાય. આવા મનને સુંદર બનાવવા માટે સુવિચારો રૂપી પોષણ અતિશય જરૂરી છે. મનને સુંદર બનાવવું હોય તો બીજા પ્રત્યે જોવાની દ્રષ્ટી બદલવી પડે. ક્યારેક કોઈક પારકા જણના દુઃખમાં પાર્ટનર શીપ કરવી પડે. એથી એક ડગલું આગળ વધીને કહું તો- આપણને મળેલા સુખ ને પ્રસાદ ની જેમ વહેંચવું પડે. તો મન સુંદર બને. શરીરનો ઉત્કર્ષ તો કોઈ પણ કરે, ટોનિક લેવાથી પણ તે થાય. પણ મનનો ઉત્કર્ષ કરવો તે અઘરું છે. આ શરીરને સુંદર બનાવવા સતત પ્રયત્નશીલ આપણે મનની સુંદરતા બાબતે ઘણા જ ઉદાસીન છીએ. અથવા તો તે અંગે જોઈએ તેટલા જાગૃત નથી. જયારે હકીકત એ છે કે માનસિક સુંદરતા એ શારીરિક સ્વસ્થતા નું અગત્ય નું પરિબળ છે. બીજું કે સંકુચિતતા પણ મનની કુરૂપતા નો જ એક પ્રકાર છે. સંકીર્ણ મનનો માનવી એકલો જ જીવે છે અને એકલો જ મરે છે.

અંતમાં એક બહુ જ important વાત કે જેમ શારીરિક હિંસા છે તેમ માનસિક હિંસા પણ છે. કેટલાક માણસો શારીરિક રીતે કોઈને હાનિ ના પહોંચાડે, પરંતુ માનસિક રીતે તેઓ બીજાને આખો ને આખો વેતરી નાખતા હોય છે. શરીર પર ઘા પડ્યા હોય તો તેને રુઝાતા વાર નથી લાગતી, પણ મન પર પડેલા ઘાને રૂઝ આવતાં બહુ લાંબો સમય લાગે છે. કેટલાક કિસ્સામાં તો આવા ઘા જીવનભર નથી રુઝાતા. અર્થાત કે માનસિક હિંસા, શારીરિક હાનિ કરતાં ક્યાંય વધુ ખતરનાક છે. અહી કડવું સત્ય એ છે કે માનસિક ઘાનાં ક્યાંય નિશાન નથી હોતાં, થપ્પડ નો તમ તમાટ શમી જતાં વાર નથી લાગતી, પણ મોંએથી નીકળેલા કવેણની ઝન ઝ્નાટી ક્યારેક જીવનભર નથી શમતી. માણસ ઉશ્કેરાટમાં આવીને કોઈને શારીરિક ઈજા કરે પણ માનસિક હિંસા તો ઠંડા કલેજે થતી હિંસા છે. ક્રૂરતાનું આ એક વરવું રૂપ છે. શબ્દોનાં વેધક બાણ તીર કરતાં પણ તિક્ષ્ણ નીવડે છે, જે માનવીને અંદરથી લોહીલુહાણ કરી નાખે છે. એવું કહે છે કે શસ્ત્ર કરતાં શબ્દો વધારે કાતિલ હોય છે. કોઈના મન પર કરેલો પ્રહાર નીતીશાશ્ત્ર ની દ્રષ્ટીએ અક્ષમ્ય અપરાધ છે.

આમ માનવીય જીવનની સમતુલા જાળવવા માટે મન એક બહુ જ અગત્ય નું માધ્યમ છે. પોતે કોઈ એક પદાર્થ રૂપે ન હોવા છતાં, પોતાની અગત્યતા જરાય ઓછી ન થવા દેવાની મનની એક વિશિષ્ટતા છે. આવા મનને ઉકરડો બનાવવું કે પુષ્પોદ્યાન- એ આપણા હાથની વાત છે. મનની આ વિશિષ્ટતા ઓને આપણે જાણીએ, સુવિચારો રૂપી અભિષેક થી તેનો ઉત્કર્ષ કરીએ, તેને સ્થિર, સુંદર, વિશાળ અને ભાવમય બનાવી ને જીવનમાં મધુરપ છલકાવીએ તથા તેમ કરવા પરમેશ્વર આપણ સૌને શક્તિ આપે. અસ્તુ......

ટિપ્પણીઓ નથી: