રવિવાર, 8 ઑગસ્ટ, 2010

મનના મેળામાં (ભાગ-૧)ભગવાને સૃષ્ટિની રચના કરી, તેમાંય મનુષ્યની, આ માનવીય દેહની જે રચના કરી છે તે અદભુત છે.અનન્ય છે.શરીરનો એક એક ભાગ (spareparts ), જેને આપણે અંગો કહીએ છીએ, તે દરેકની કામગીરી, તે દરેકનું નિશ્ચિત સ્થાન, અને તેમાંય આ બધા જ અંગોનો એકબીજા સાથેનો લયબદ્ધ તાલમેળ( co -ordination ) -આ બધી કલ્પના કરીએ, જરીક વિચાર કરીએ ત્યારે આપણી બુદ્ધિ કામ કરતી બંધ થઇ જાય.અને આવા શરીરને ચલાવવા ભગવાને બે મહત્વનાં અંગો આપ્યાં.આમ તો શરીરના પ્રત્યેક અંગની કિંમત છે,એક આગવું મુલ્ય છે.દરેક ની પોતાની એક અગત્યતા(importance ) છે.પરંતુ આ બે અંગોનું વિશિષ્ટ મુલ્ય છે.તેમાંનું એક અંગ તો છે હ્રદય. હ્રદયના ધબકારા બંધ કે શરીરની ચેતનતા ચાલી જાય.શરીર એક જડ પદાર્થ બની જાય.આ શરીરને જીવંત રાખવા માટે હૃદય યોગ્ય રીતે ધબકતું રહે તે અત્યંત જરૂરી છે.ઠીક તેટલું જ જરૂરી અને મહત્વનું બીજું પણ એક અંગ ભગવાનની અસીમ કૃપા થી આપણને મળ્યું છે.આ અંગ અને તેની ક્રિયાઓ-પ્રક્રિયાઓ અદભુત છે.જે કંઈ દૈનિક કે વ્યવહારિક પ્રવૃત્તિ આ શરીર કરતુ રહેલું છે, તે બધા પર જેનો અદમ્ય કાબુ (control ) છે,ઉપરાંત જન્મ થી લઈને મૃત્યુ સુધીના આ જીવનચક્ર માં ધરીરૂપ અમુલ્ય ફાળો આપનાર એ અંગ કયું ? એ છે માનવીય મન. તો આવો, આ મન ના મેળા માં આજે થોડી લટાર મારીએ.

હૃદય સાકાર છે, તેથી આપણે તેને જોઈ શકીએ છીએ.હાથમાં પકડી શકીએ છીએ.હવે ના સમયમાં તો મેડિકલ સાયંસ તેના પર સર્જરી પણ કરે છે.એટલે વિજ્ઞાનની દ્રષ્ટીએ તે એક ભૌતિક પદાર્થ છે.તેથી તેનો એક નિશ્ચિત આકાર છે.પરંતુ મન ને કોઈ આકાર નથી.તે અદ્રશ્ય છે, નિરાકાર છે.નથી તો આપણે તેને જોઈ શકતા કે નથી તો હાથમાં પકડી શકતા.છતાં પણ આ મનની તાકાત, આ મનની શક્તિ એટલી બધી છે કે તેના સહારે માનવી શૂન્ય માંથી સર્જન કરી શકે છે,ઝીરો માંથી હીરો બની શકે છે.

માનવી કંઈ પણ કાર્ય કે કૃતિ(activity ) કરે-તે "કંઈપણ " શરુ કરતા પહેલાં તેણે મનથી તે નક્કી કરવું પડે છે.કશુંક કરવાનો નિર્ણય લેનાર બુદ્ધિ છે પણ આ બુદ્ધિને નિર્ણય લેવા પ્રેરિત કરનાર મન છે.આમાં મન ની એક આધારભૂત ભૂમિકા છે.તેથી પણ વિશેષ લીધેલા નિર્ણયો પાર પાડવા માટે જે કંઈ કર્મ કરવું પડે તેનું ચાલક બળ પણ મન જ છે.માણસ સારું કામ કરે કે ખરાબ, કેમકે કામ તો રચનાત્મક પણ હોઈ શકે, તેમ વિનાશાત્મક પણ હોઈ શકે.પરંતુ બંને તરફી ડગ માંડતા પહેલાં માણસનું મન તે નક્કી કરે છે. મતલબ કે સ્વર્ગને નરકમાં ફેરવી શકવા માટે જેમ માણસનું મન સક્ષમ છે તેવી જ રીતે તે નરકને સ્વર્ગમાં રૂપાંતરિત કરવા પણ તે એટલું જ ક્ષમતાવાન છે.ઇતિહાસ તરફ દ્રષ્ટી કરીએ તો અત્યાર સુધીના સમયમાં જે કોઈ મહાન વ્યક્તિઓ, પછી તે કોઈ રાજનીતિજ્ઞ હોય,કલાકાર હોય, વિજ્ઞાની હોય,ધર્મગુરુ હોય, રમતવીર હોય કે પછી કોઈ ઉદ્યોગપતિ હોય. આ બધાએ પોતપોતાના ક્ષેત્રમાં ટોચનું સ્થાન મેળવ્યું છે તેવા તમામના જીવનમાં તેમના મક્કમ મનોબળનો બહુ મોટો ફાળો છે.આપણા જ દેશ ની વાત કરીએ તો, વિશ્વમાં જે મહાસત્તા નો સૂર્ય ક્યાંય અને ક્યારેય આથમતો નહોતો તેવી બ્રિટીશ રાજસત્તા સામે ગાંધીજી જેવો મુઠ્ઠી હાડકાંનો માણસ લડી શક્યો અને ટકી શક્યો તેનું મૂળ કારણ ગાંધીજી નું મજબુત મન હતું.સદીઓથી સૃષ્ટિ ચક્ર ના ક્રમ અનુસાર ચાલતું રહેલું આ માનવીય જીવન- તેમાં મન જ તેની તલવાર અને મન જ તેની ઢાલ છે.

તબીબી શાસ્ત્ર ની દ્રષ્ટીએ જોઈએ તો આ શરીરમાં અનેક જાતનાં રસાયણો છે.અનેકાનેક જાતનાં પદાર્થો, દ્રવ્યો થી આ શરીર ભરેલું છે.નાનપણ માં જોયેલું કે ગામડાગામમાં ફેરિયો આવે, પછી પોતાનું પોટલું ઉતારે.આપણે કુતુહલતાવશ જોતા હોઈએ. પોટલાની ગાંઠ છોડી , તેમાંથી એક પછી એક વસ્તુ કાઢી ફેરિયો બતાવે.એમ જ આ માનવીય શરીર પણ એક જાતનું પોટલું જ છે ને ? તેમાં જાતજાતની વસ્તુઓ ભરેલી છે.અહી વિશિષ્ટ વાત એ છે કે શરીરની આ બધી સામગ્રી નું એકબીજા સાથે tuning છે.આમાં ફેરફાર થાય કે માત્રા વધઘટ થાય કે પછી તેમાં ખરાબી ઉભી થાય.આમ ન થાય તે જોવાનું કામ મન નું છે.શરીરના બધા ભાગો એકબીજા સાથે સહકાર પૂર્ણ અને યોગ્ય રીતે વર્તે- તે માટેના તમામ ઓર્ડરો મન માંથી છુટે છે.પણ ધારો કે શરીરમાં કોઈ વ્યાધિ આવી પછી તેના માટે જરૂરી યોગ્ય દવા લેવી પડે.અહિયાં પણ જુઓ, મન મહત્વનો ભાગ ભજવે છે.દરદ થાય પછી જો માણસ મન થી નિર્બળ થાય તો દર્દને તેની વિષમતા ને આંબવામાં જલ્દી સફળતા મળે છે.આપણે કહીએ છીએ ને કે "મન નો માંદો" . આનાથી વિરુદ્ધ ગમે તેવો રોગી હોય પણ જો તેનું મન મક્કમ હોય તો દવાની નાની સરખી એક ટીકડી પણ તેણે મોતના મુખ માંથી પાછો લાવી નવું જીવન બક્ષી શકે છે.રોગ થયા પછી આપણે દવાઓ લઈએ છીએ તે દવાઓ શરીરનાં રસાયણોમાં ફેરફાર કરે છે પરંતુ દવાની જે અસરકારકતા છે તેના પર મન ના હુકમોનું બહુ મોટું અવલંબન છે.અસાધ્ય અને ગંભીર રોગમાંથી સાજા થયેલા વ્યક્તિને જોઈએ ત્યારે વિચાર આવે કે આને આત્મબળ કોણે પૂરું પડ્યું ? તે પૂરું પાડનાર છે માનવીય મન.બીજી રીતે જોઈએ તો જેમ શરીરની વ્યાધિ છે તેમ મન ની પણ વ્યાધિ છે.પરંતુ શરીરની વ્યાધિ ની તુલનામાં મન ની વ્યાધિ ખુબ ભયંકર છે.મન ની રુગ્ણ તા ક્યારેક તંદુરસ્ત શરીરને પણ રુગ્ણ બનાવી દે છે.અર્થાત કે મન ની વ્યાધિના રોગીને પોતાનો કોળિઓ બનાવતાં કાળને બહુ ઝાઝી વાર નથી લાગતી.

હવે પ્રકાશ અને ધ્વની ની માફક હૃદય ની પણ ગતિ છે. જે નિશ્ચિત છે.ક્યારેક તેમાં થોડો ઘણો ફેરફાર પણ થઇ જાય છે.પરંતુ એકંદરે તે અમુક મર્યાદા માં જ રહે છે.જયારે મન ની ગતિની તો વાત શું કરવી ?વિશ્વમાં ક્યાંય એવું કોઈ યંત્ર કે માપક નથી જે મન ની ગતિને માપી શકે. આ બ્રહ્માંડ માં એવો કોઈજ ભૌતિક પદાર્થ નથી જે મન ની ગતિને આંબી શકે.આ રેસમાં મન કાયમી વિજેતા( champion ) છે.જેનો એકાદ પાયો તૂટેલો છે તેવી ખુરશી માં બેઠેલો વ્યક્તિ પણ ક્ષણાર્ધ માં ચંદ્ર પર જઈ આવે છે. પૃથ્વી ના એક છેડે બેઠેલો માનવી પળવાર માં જ બીજે છેડે આવેલા પોતાના વતનમાં લટાર મારી આવે છે.આ ગતિને શું માપી શકાય ખરી? મતલબ કે મન ની ગતિ અમાપ છે.

જન્મથી મૃત્યુ પર્યંતના સમય ગાળામાં માનવી અનેકાનેક જાતની ઘટનાઓ માંથી પસાર થાય છે.આ યાત્રા દરમ્યાન કેટલાય કડવા, મીઠા પ્રસંગોનો અનુભવ થાય છે.કોમ્પ્યુટર ની ડિસ્ક ની જેમ આ દરેક ઘટમાળ ની સ્મૃતિ આપણું મન રાખે છે.જેની કદાચ કોઈ જ કિંમત ના થઇ શકે એવી અમુલ્ય યાદોનું વિશાળ જગત, અણમોલ સ્મૃતિઓ નું ચિત્રપટ - આપણા મન માં સંઘરાઈને પડેલું હોય છે. ઉંમર ની ગણતરી ના જયારે છેલ્લા આંકડાઓ ગણાય છે ત્યારે એકાંતે બેઠેલો માનવી પોતાના મને સાચવી રાખેલી સ્મૃતિઓના અથાહ સાગરમાં ડૂબકી મારે છે. પછી પરિણામે તે એકલો એકલો હસે છે અને એકલો એકલો જ રડે પણ છે.આ હાસ્ય કે રુદનના ભાવોનું ઉત્પાદન કેન્દ્ર આપણું મન છે...............(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી: