રવિવાર, 21 ફેબ્રુઆરી, 2010

આજે તમે મજા આવે એવું શું કર્યું? આજે તમે જે કર્યું એમાં તમને મજા આવી? મજા ન આવી તો કેમ ન આવી? તમારો જીવ એ કામમાં ન હતો? તમે એવું નક્કી કરો છો કે હું જે પણ કામ કરીશ તેને એન્જોય કરીશ?
માણસ દરેક કામનો બોજ રાખે છે. ત્યાં સુધી કે નાહવાને પણ માણસ કામ સમજે છે. નાહવું એ કામ નથી પણ શરીરને હળવું કરવાની એક ઘટના છે. નાહી લીધા પછી તમને એવું ફીલ થાય છે કે, મજા આવી? ના, એવું થતું નથી. નાહી લીધા પછી મોટા ભાગે એવું થાય છે કે હાશ પત્યું. હવે ફટાફટ તૈયાર થાવ અને કામે વળગો. નાસ્તા કે જમવાને પણ કેટલા માણસો એન્જોય કરે છે? માણસ જયારે જે કરતો હોય છે ત્યારે માનસકિ રીતે ત્યાં હાજર જ નથી હોતો, એટલે માણસ કોઇ વસ્તુને હન્ડ્રેડ પર્સન્ટ ફીલ કરી શકતો નથી. માણસના વિચાર સતત તેની આગળ હોય છે.
સવારે નાસ્તો કરતી વખતે ઓફિસના કામના વિચાર ચાલતા હોય છે. ઓફિસમાં જે કામ કરતા હોયએ તેના કરતાં હવે પછી શું કામ બાકી છે તેના વિચારો આવતા રહે છે.માણસની મુસીબત એ છે કે મોટા ભાગે તે કાં તો ભવિષ્ય કાળમાં અથવા તો ભૂતકાળમાં જીવતો હોય છે. વર્તમાનને જીવનારા અને માણનારાની સંખ્યા બહુ ઓછી છે.
જમી લીધા પછી કોઇને પૂછો કે, શું ખાધું? તો તેને યાદ નથી હોતું. કારણ કે જમતી વખતે ઘ્યાન તો બીજે કયાંક હતું! શું ખાધું એ યાદ ન હોય તો પછી શું ભાવ્યું તેનું ભાન કયાંથી હોય? યોગ એટલે શું? યોગ એટલે પોતાનામાં જ ઘ્યાન કેન્દ્રીત કરી સ્વયંમાં જ ખોવાઇ જવાની ઘટના. માણસ ધારે તો દરેક કામ યોગની આસ્થાથી કરી શકે. સવાલ એ છે કે આપણે જે કામ કરતા હોઇએ છીએ એમાં ખોવાઇ શકીએ છીએ ખરાં? જે કરો તે હન્ડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વમેન્ટથી કરો.
જે વ્યકિત હન્ડ્રેડ પર્સન્ટ આપી શકતો નથી તેને હંમેશાં સંશય, સંકોચ કે શંકા જ થાય છે. એક સરસ મજાની વાર્તા છે. એક છોકરો અને એક છોકરી સ્કૂલમાં સાથે રમતાં હતાં. છોકરા પાસે સરસ મજાની લખોટીઓ હતી. છોકરી પાસે સરસ ચોકલેટ્સ હતી. છોકરીને લખોટી ખૂબ જ ગમી અને છોકરાને ચોકલેટ્સ. છોકરાએ કહ્યું કે તું મને તારી બધી ચોકલેટ્સ આપી દે તો હું તને મારી બધી જ લખોટી આપી દઉ.
છોકરીને તો એટલું જ જોઇતું હતું. છોકરીએ તરત જ હા પાડી દીધી. ગમતી લખોટી મળવાની હોવાથી છોકરી ખૂબ ખુશ હતી. છોકરો ચાલાક હતો. તેણે છોકરી પાસેથી બધી ચોકલેટ્સ લઇ લીધી. લખોટી આપતી વખતે થોડીક લખોટીઓ સંતાડીને રાખી મૂકી. થોડીક લખોટી છુપાવીને કહ્યું કે, આ લે મારી પાસેની બધી લખોટી.
છોકરી તો પોતાને બધી લખોટી મળી ગઇ એ આનંદ સાથે રાતના આરામથી સૂઇ ગઇ. છોકરાને રાતે ઊઘ આવતી ન હતી. એ છોકરાને વિચાર આવતા હતા કે, એ છોકરીએ પણ મને તેની બધી જ ચોકલેટ્સ નહીં આપી હોય તો? એ છોકરીએ પણ મારી જેમ ચોકલેટ્સ છુપાવી હશે? કહેવાનો મતલબ એ છે કે, તમારી રિલેશનશિપમાં તમે હન્ડ્રેડ પર્સન્ટ આપો છો? આ વાર્તા દરેક સંબંધમાં, દરેક દોસ્તીમાં, દરેક પ્રેમમાં અને દરેક વર્તનમાં લાગુ પડે છે. સંતોષ એને જ થાય છે જે સો ટકા આપે છે. જયાં સંપૂર્ણતા ન હોય ત્યાં સંતોષ નહીં પણ શંકા અને સંતાપ જ હોય.
દિવસ પૂરો થાય ત્યારે દિવસ ચાલ્યા ગયાનો અફસોસ ન થવો જોઇએ. જે લોકો દિવસ એન્જોય કરી જાણે છે, જે પોતાની દરેક ક્ષણને પોતાના હન્ડ્રેડ પર્સન્ટ આપે છે તેને અફસોસ થતો નથી. જિંદગીના અંતિમ પડાવમાં જિંદગી જીવી લીધી તેનો આનંદ હોવો જોઇએ.
જો આજે એવો આનંદ નહીં આવે તો આવતીકાલે તેનો સંતોષ નહીં હોય. ઊલટું આવતીકાલે પણ ગઇકાલ બગડી તેનો અફસોસ હશે. જિંદગીમાં સમસ્યાઓ, મુશ્કેલીઓ, સવાલ અને અણધાર્યા આંચકા તો આવતા જ રહેવાના છે. એ બધાની વચ્ચે જે જીવી જાણે છે એને જ જીવનનો સાચો આનંદ મળે છે. તમારી દરેક ક્ષણને તમારા હન્ડ્રેડ પર્સન્ટ આપો. તમને ગેરંટી મળશે, હન્ડ્રેડ પર્સન્ટ આનંદની. હન્ડ્રેડ પર્સન્ટ જિંદગીની. ‘
છેલ્લો સીન
જીવન એક સંગ્રામ છે. જીવન એક યજ્ઞ છે. જીવન એક સાગર છે. જખમો વિના સંગ્રામ હોઇ શકે નહીં. જવાળા વિના યજ્ઞ હોઇ શકે નહીં. તોફાન વિના સાગર હોઇ શકે નહીં. આ બધાને હસતે મુખે આવકારનાર વ્યકિત જ જીવનનો સાચો અર્થ સમજી શકે છે. - મનુ

ટિપ્પણીઓ નથી: